ગાંધીનગર નજીક અંબાપુર નર્મદા કેનાલમાં ગઈકાલે માતા-પુત્રીએ ઝંપલાવ્યું હતું, જેમાં 19 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે માતાનો આબાદ બચાવ થયો છે. આ મામલે અડાલજ પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, 19 વર્ષીય રોશની પટણીએ પ્રેમીના આપઘાત બાદ આઘાતમાં આવીને કેનાલમાં છલાંગ લગાવી હતી, જેને બચાવવા જતાં તેની વિધવા માતા મંજુબેન પણ કેનાલમાં કૂદી પડ્યા હતા. પ્રેમીએ આપઘાત કરતા યુવતી આઘાતમાં સરી પડી
આ મામલે તપાસ કરતા ASI વિશાલભાઈએ જણાવ્યું હતું કે, મંજુબેનના પતિ વિજયભાઈ અગાઉ મૃત્યુ પામ્યા છે. જેમને સંતાનમાં રોશની ઉપરાંત બે દીકરા છે. આ મામલે સિવિલમાં એડમિટ મૃતક યુવતીની માતાની પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. રોશનીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. થોડા દિવસો અગાઉ રોશની પાસેથી મોબાઈલ મળતા પ્રેમ પકરણનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં ગયા અઠવાડિયે રોશનીના પ્રેમીએ આપઘાત કરી લીધો હતો. જેથી તે આઘાતમાં સરી પડી હતી. મૃતક યુવકના પરિવારજનોની ધાક-ધમકી
યુવકના પરિવારજનો માથાકૂટ કરશે એવા ડરે મંજુબેન રોશની અને બે દીકરા સાથે પાટણ એક સગાના ત્યાં જતા રહ્યા હતા. મૃતક યુવકના પરિવારજનોએ ધાક-ધમકીઓ પણ આપી હતી. બાદમાં મંજુબેન બાળકોને લઈ 25 ઓગસ્ટે પાટણથી સીધા તેમના ભાઈના ઘરે બાપુનગર જતા રહ્યાં હતા, ત્યારે ગઈકાલે ગુરુવારે રોશની અચાાનક ઘરેથી નીકળી ગઈ હતી. જેથી તેને સમજાવવા માટે મંજુબેન પાછળ દોડ્યા હતા. દીકરીને બચાવવા માતા પણ કેનાલમાં કૂદી
એટલામાં રોશની રિક્ષામાં બેસી ગાંધીનગર તરફ આવી હતી. એટલે મંજુબેન પણ તેની જોડે રિક્ષામાં બેસી ગયા હતા. મંજુબેને દીકરીને ઘણું સમજાવ્યું છતાં પ્રેમીના વિરહમાં દીકરી કોઈ કાળે માનવા તૈયાર નહોતી અને અંબાપુર કેનાલ પહોંચતા તેણીએ નીચે ઉતરી દોટ મૂકી હતી. પાછલ મંજૂબેન પણ દોડ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં રોશની કેનાલમાં કૂદી ગઈ હતી. જેને બચાવવા મંજૂબેન પણ કૂદી ગયા હતા. આ મામલે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદાકીય તપાસ ચાલી રહી છે.
અંબાપુર કેનાલ કાંડમાં ઘટસ્ફોટ:પ્રેમીના આપઘાત બાદ મળતી ધમકીઓ, આઘાતમાં યુવતીએ છલાંગ લગાવી હતી, દીકરીને બચાવવા માતા પણ કુદી હતી
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
