ન્યુ કારેલીબાગ વિસ્તારમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજે મહિલાનો મોબાઈલ હેક કરી, મહિલાની નજર સામે રહેલા મોબાઇલનું રિમોટ એક્સેસ મેળવી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ભેજાબાજ ફોન ઓન કરતો, પાસવર્ડ ઈનપુટ કરતો, યુપીઆઈ એપ ખોલતો અને રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. પરંતુ યુઝર ફોનમાં કશું કરી શકતો નહોતો. આ નવો કિમીયો ડિજિટલ લૂંટના નામે ઓળખાઇ રહ્યો છે. બનિયન સિટી ખાતે રહેતા હરીસિંહ પુવારના જણાવ્યા મુજબ, 20 ઓગસ્ટે રાત્રે દોઢ વાગ્યે તેમની પત્નીના બેંક ખાતામાં ટુકડે-ટુકડે રૂ.31,300 જમા થયા હતા. સવારે 7 વાગ્યે જોયું તો ફોન ઓટો-અપડેટમાં હતો અને તેમાંથી ગિફ્ટ કાર્ડ ખરીદીને રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. બેંકમાં જઈ યુપીઆઈ બંધ કરાવી દીધું હતું. 22 ઓગસ્ટે ખાતામાં ફરી રૂ.1 હજાર જમા થયા હતા. 23 ઓગસ્ટે સાંજે ફોન ઓટો-અપડેટ મોડમાં ગયો હતો. મહિલાની નજર સામે જ વર્ચ્યુઅલી મહિલાનો ફોન અનલોક કરી કોઇ પાસવર્ડ નાખી યુપીઆઈ એપથી રકમ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે સ્ક્રીનનું ટચ સેન્સર બ્લોક થઈ ગયું હતું. ફોનની સ્ક્રિન બંધ કરવા છતાં ભેજાબાજે ફોન ફરી સ્ક્રિન ટર્ન ઓન કરી પ્રયાસ ચાલુ રાખ્યા હતા, પરંતુ યુપીઆઈ બંધ હોવાથી ટ્રાન્ઝેક્શન નિષ્ફળ રહ્યા હતા. ખાતામાં બચેલા રૂ.8 હજાર અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતાં જ બંને ખાતા ફ્રિઝ થઈ ગયા હતા. બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, ખાતામાં ગોવા, તેલંગાણા અને તમિલનાડુથી છેતરપિંડીના નાણાં જમા થયા હતા અને ત્યાં આ મામલે સાયબર ગુનો નોંધાયેલો છે. રિમોટ ટુલથી ઠગ ફોનના એક્સેસ મેળવે છે, સોર્સ ફ્લાઇલ કોડિંગથી ઠગાઇ કરે છે
આ પ્રકારનો ફ્રોડ એપીકે ફાઇલ ડાઉનલોડ થવાથી થાય છે. આ એક નવો કિમીયો છે, આંખો સામે રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે, તો તેને ડિજિટલ લૂંટ કહી શકાય છે. રેટ (રિમોટ એક્સેસ ટુલ)નો ઉપયોગ કરી ભેજાબાજ કોઈ પણ વ્યક્તિના ફોનનો એકસેસ મેળવી લે છે. આ આરટીઓ, ચલણ, આમંત્રણ વગેરે અથવા કોઈ લિંક પર ક્લિક કરવાથી બેકગ્રાઉન્ડમાં ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે. તેનાથી ફોનના પાસવર્ડ સહિત તમામ વિગતો ભેજાબાજ મેળવી લે છે. તે ટ્રેક ન થઈ શકે એટલે વિવિધ ગિફ્ટ કાર્ડમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે. ગીટ હબ એક સાઇટ છે, જેમાં વિવિધ સોર્સ કોડ આવે છે. ભેજાબાજો તેનો ગેરફાયદો ઉઠાવે છે. કોઈ એક વ્યક્તિના ફોનથી તેના સંપર્કોને મેસેજથી સોર્સ કોર્ડ મેળવી, તેમાં કોડિંગ કરીને ભેજાબાજો હેકિંગ કરવા એકાઉન્ટ નંબર, ફોન એક્સેસ, વગેરે કરી એપ બનાવે છે. તે બેકગ્રાઉન્ડમાં ડાઉનલોડ થઈને છેતરપિંડી માટે ઉપયોગ કરાય છે. એપીકે ડાઉનલોડ થાય તો ફોન સ્વિચ ઓફ કરો, બેંકને કહી ખાતું ફ્રીઝ કરાવો GRM, પોર્ટલથી વિવાદિત રકમ જ ફ્રીઝ થઇ શકે છે
જીઆરએમ પોર્ટલ: જે ખાતાધારકનું બેંક એકાઉન્ટ ફ્રિઝ થયું હોય, તેમણે સંબંધિત બેંકનો સંપર્ક કરવાનો રહેશે. બેંક દ્વારા ગ્રીવન્સ રિડ્રેસલ મોડ્યુલ (GRM) મારફતે અરજી પ્રોસેસ કરાશે. માત્ર વિવાદિત રકમ જ હોલ્ડ થશે: તપાસ બાદ જો એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ વ્યવહાર થયો હોય, તો માત્ર વિવાદિત રકમ જ ફ્રિઝ રખાશે અને રૂપિયા એકસેસ કરી શકાશે. અનફ્રીઝ પોર્ટલ: ગુજરાત સીઆઈડીનું અનફ્રિઝ પોર્ટલથી પોલીસ દ્વારા ખાતુ અનફ્રિઝ કરવા પ્રોસેસ કરાય છે.
ડિજિટલ લૂંટ:ઠગે ફોન હેક કરી લીધો, મહિલાની આંખ સામે વર્ચ્યુઅલી પાસવર્ડ નાખીને રૂપિયા ઉપાડી લેવાયા
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
