વડોદરા એરપોર્ટથી મુંદ્રા સુધીની એર ટેક્સી સેવાનો શુક્રવારે સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો છે. આ ફ્લાઇટ 3 પેસેન્જર લઇને ઊપડી હતી અને 50 મિનિટે મુંદ્રા પહોંચી હતી. જોકે વડોદરા એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ ફ્લાઇટ સહિતની અન્ય 2 ફ્લાઇટ શરૂ કરવાની યોજના એકાદ વર્ષથી આકાર લઇ રહી હતી. ઉડાન સ્કીમ અંતર્ગત વિમાની ઓપરેટર કંપનીને મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વડોદરાથી દીવ, પોરબંદર પણ એર ટેક્સીનું ફ્લાઇટ્સ માટેનું આયોજન છે. રક્ષાબંધનના દિવસે આ ફ્લાઇટ સેવાનો પ્રારંભ થયા બાદ સાંસદ ડો.હેમાંગ જોશીએ આ અંગે સોશિયલ મીડિયામાં સંદેશો મૂક્યો હતો. આ ફ્લાઇટથી વડોદરા અને કચ્છ વચ્ચે ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા અને બિઝનેસમેનને ઉપયોગી થશે. અગાઉ વડોદરા એરપોર્ટના ડાયરેક્ટરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરાથી આ શહેરો માટે 8 સીટર વિમાનોને મંજૂરી આપવામાં આવી છે. હાલનું વિમાન ઉડાન સ્કીમ અંતર્ગત વાયાબિલિટી ગેપ ફંડિંગ (VGF)નો ખર્ચ 80% કેન્દ્ર સરકાર અને 20% સંબંધિત (રાજ્ય) ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે વહેંચવામાં આવે છે. આ ફંડિંગ ઓપરેટરને ચોક્કસ સમયગાળા (સામાન્ય રીતે 3 વર્ષ) માટે આપવામાં આવે છે, જેથી રૂટ સ્થિર થઈ શકે. મુંદ્રાથી પરત આવવા સાંજે ફ્લાઇટ મળશે, રવિવારે વિશેષ ફ્લાઇટ વડોદરાથી મુંદ્રા-સોમવારથી રવિવાર દરમિયાન સવારે 6.30, 6.55 અને 7.20 કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે મુંદ્રાથી વડોદરા- સોમવારથી ગુરુવાર દરમિયાન સાંજે 6.32, 7.22 અને શુક્રવાર અને શનિવારે સાંજે 6.21 અને 7.11 કલાકે વડોદરા આવશે. (રવિવારે સવારે 11.36થી સાંજે 6.26 દરમિયાન જુદા જુદા સમયે વિશેષ ફ્લાઇટ્સ ઉપલબ્ધ હશે) મુંદ્રાની ફ્લાઇટનું ભાડું રૂા.799, જીએસટી સાથે રૂા.942
ફ્લાઇટનું મુંદ્રાનું ભાડું રૂા.799 રખાયું છે. ભાડા ઉપરાંત રૂા.143 જીએસટી મળીને કુલ રૂા.942ની ટિકિટ હતી. આ સેવા ઉડાન સ્કીમ અંતર્ગત છે, જેનું સૂત્ર જ ઊડે દેશ કા આમ નાગરિક રખાયું છે. આવી ફ્લાઇટ્સ માટે સરકાર વાયાબિલિટી ગેપ ફંડિંગ (VGF) પણ આપે છે. જેથી વિમાની ઓપરેટર કંપનીને આ ભાડામાં સેવા આપવી પોસાઇ શકે. વડોદરાથી મુંદ્રાની 50 મિનિટની ફ્લાઇટનો વાસ્તવિક ઓપરેટિંગ ખર્ચ પ્રતિ સીટ આશરે રૂા.3500 થતો હોય અને ગ્રાહક પાસેથી રૂા.799 લેવાતા હોય તો બાકીના રૂા.2701 સરકારે VGF સ્વરૂપે ઓપરેટરને સબસીડી તરીકે ચૂકવે છે. કચ્છના રણોત્સવમાં 4 કલાકમાં પહોંચી શકાશે
આ ફ્લાઇટ શરૂ થતાં વડોદરાથી કચ્છના રણોત્સવમાં 4 કલાકમાં પહોંચી શકાશે. જેમાં વડોદરાથી મુંદ્રા 50 મિનિટમાં પહોંચ્યા બાદ ત્યાંથી ધોરડો ટેક્સીમાં 3 કલાકે પહોંચાય છે. ટ્રેનમાં ભૂજ પહોંચવું હોય તો 9 કલાક અને થર્ડ એસીમાં ભાડું રૂા.1150 થાય છે.
સુવિધા:વડોદરાથી મુંદ્રાની એર ટેક્સીનો પ્રારંભ,રોજ 3 ફ્લાઇટ ઉડાન ભરશે, 50 મિનિટમાં પહોંચાશે
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
