કચ્છના મોખાણામાં કરોતરા પરિવારે પુત્ર અર્પણનો સંકલ્પ કર્યો:શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણે સમર્પિત કરાશે, વિધિ 31 ઓગસ્ટ 2026 એ યોજાશે

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

કચ્છ જિલ્લાના મોખાણા ગામે કરોતરા પરિવારે પોતાના પુત્ર શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણે અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. આ વિધિ 31 ઓગસ્ટ 2026ના રોજ તરભ સ્થિત શિવધામ વાળીનાથ અખાડા ખાતે યોજાશે. ભુજ તાલુકાના મોખાણા ગામના નિવાસી વિસાભાઈ કરમશીભાઈ કરોતરાને વાળીનાથ મહાદેવ પ્રત્યે અપાર આસ્થા છે. તેમણે પોતાની ભક્તિભાવનાના પ્રતિક રૂપે પુત્ર શ્રીયાંશને ધર્મના માર્ગે સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. સંતાનને ધર્મના કાર્યો અને આસ્થાના માર્ગે સમર્પિત કરવાનો આ સંકલ્પ રબારી સમાજની ઉચ્ચ પરંપરા અને સંસ્કારોનું ઉદાહરણ પૂરું પાડે છે. આ નિર્ણયથી ધર્મપ્રેમી જનતામાં સકારાત્મક લાગણી ફેલાઈ છે. આ પવિત્ર અર્પણ વિધિ સોમવાર, 31 ઓગસ્ટ 2026ના રોજ શિવધામ વાળીનાથ અખાડા, તરભ ખાતે યોજાશે. આ પ્રસંગે કરોતરા પરિવારને સમાજ, સાધુ-સંતો અને શિવભક્તો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. વિસનગર તાલુકાના પવિત્ર શ્રી વાળીનાથ ધામ (તરભ) ખાતે રબારી સમાજની અપ્રતિમ શ્રદ્ધા દર્શાવતી એક અનોખી પરંપરા જોવા મળે છે, જ્યાં ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં કે ભગવાન પ્રત્યેના ભાવરૂપે પોતાના વહાલસોયા બાળકને મંદિરના ચરણોમાં અર્પણ કરતા હોય છે. તાજેતરમાં પણ એક પરિવારે આવી જ આસ્થા સાથે પોતાના બાળકને વાળીનાથ ધામમાં સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતભરમાંથી અર્પણ થતાં આ બાળકો મંદિરના ગુરુકુળમાં રહીને ધોરણ 12 સુધી અભ્યાસ કરવાની સાથે મંદિરની સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. ત્યાર બાદ તેઓને વેદો અને સંસ્કૃતના ગહન અભ્યાસ માટે કાશી કે ઋષિકેશ મોકલવામાં આવે છે, જ્યાંથી ધર્મજ્ઞાન મેળવીને પરત ફર્યા બાદ તેઓ સંસ્કૃતિના પ્રચારક બની સેવા આપે છે. અગાઉ 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના પર્વે જાસ્કા ગામના કેતનભાઈ દેસાઈએ પણ પોતાની મનોકામના પૂર્ણ થતાં પોતાના જોડિયા બાળકોમાંથી મોટા પુત્રને વાળીનાથ મંદિરમાં સમર્પિત કર્યો હતો, જે આ ધામ પ્રત્યે સમાજની અવિચળ શ્રદ્ધાનું પ્રતીક છે. જાણો વાળીનાથ મંદિરનો ઇતિહાસ વાળીનાથ મંદિર એટલે મહાદેવનું સ્વરૂપ. મૂર્તિ સ્વરૂપે અહીં વાળીનાથ ભગવાન બિરાજમાન છે. તેનો ઈતિહાસ લગભગ 900 વર્ષ પૂર્વે જમીનમાંથી વાળીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, મા ચામુડાંની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. ત્યારે વિરમગીરીજી મહારાજ દ્વારા આ વાળીનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સંત વિરમગીરીજી મહારાજે અહીં અખંડ ધૂણી ધખાવી ગુરુગાદીની સ્થાપના કરી હતી. વાળીનાથ અખાડો એ રબારી સમાજ સહિત સમસ્ત હિન્દુ સમાજની અપ્રતિમ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પૂર્વ બળદેવગીરી બાપુ અને વર્તમાન ગાદીપતિ જયરામગીરી બાપુના સાનિધ્યમાં ધાર્મિક સામાજિક સેવાઓ ચાલી રહી છે. ફેબ્રુઆરી 2024માં બંસી પહાડપુરના પથ્થરોથી નિર્મિત 101 ફૂટ ઊંચા આ નૂતન ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે આજે સોમનાથ પછી ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવમંદિર ગણાય છે. આ પણ વાંચો, માનતા પૂરી થતાં જોડિયા પુત્રમાંથી એકનું મંદિરમાં દાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *