અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા સરદાર પટેલ ગાર્ડનમાં રોજ મળતા 211 સિનિયર સિટીઝનમાંથી કેટલાક સભ્યોએ જાહેરમાં યુવતી સાથે બિભત્સ વર્તન કરતા યુવકને અટકાવ્યો હતો. જોકે આ યુવક ટોળું લઈને આવી ધમકી આપવા લાગ્યો હતો. પરંતુ 77 વર્ષના રમણભાઈ પટેલે ગભરાવાને બદલે યુક્તિ વાપરી અને સીધો પોલીસનો સંપર્ક કર્યો. અંતે બોડકદેવ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકે યુવતી સાથે બીભત્સ વર્તન કર્યું
સોલામાં આવેલા પંચામૃત બંગ્લોઝમાં રહેતા 77 વર્ષીય રમણભાઈ પટેલ નિવૃત્ત જીવન જીવે છે. તેઓ સિનિયર સિટીઝન પરિવાર નામનું ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપમાં 211 સભ્યો છે અને દરરોજ સાંજે સભ્યો સરદાર પટેલ ગાર્ડનમાં એકત્ર થાય છે. માત્ર સમય પસાર કરવો જ નહીં, પરંતુ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં રમણભાઈ તેના ગ્રૂપના સભ્યો ગાર્ડનમાં બેઠા હતા. ત્યારે સાંજે સાત વાગ્યાની આસપાસ અમુલ પાર્લર પાસે આશરે 25 વર્ષનો યુવક એક યુવતી સાથે બીભત્સ વર્તન કરતો હોવાનું નજરે પડ્યું હતું. યુવતી અને યુવક વચ્ચે ઝઘડો પણ ચાલી રહ્યો હતો. વૃદ્ધે યુવકને ઠપકો આપતાં ઉગ્ર થયો
જાહેર સ્થળે આવું વર્તન જોઈ રમણભાઈ સહિતના સિનિયર સિટીઝન ત્યાં પહોંચ્યા હતા. રમણભાઈએ યુવકને સમજાવતાં કહ્યું હતું કે, અહીં બહેન-દીકરીઓની અવરજવર રહે છે, તેથી જાહેરમાં આવું વર્તન ન કરવું જોઈએ. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં રમણભાઈએ યુવકને ઠપકો આપ્યો હતો. યુવક ટોળું લઈને આવ્યો ને ધમકી આપી
સિનિયર સિટીઝનના અન્ય સભ્યો પણ રમણભાઈની સાથે આવી જતા યુવક અને યુવતી બાઈક લઈને ત્યાંથી જતા રહ્યા હતા. થોડા સમય બાદ યુવક 15થી વધુ લોકોને લઈને ફરી ગાર્ડન પાસે આવ્યો હતો અને બૂમો પાડીને સિનિયર સિટીઝનોને ધમકી આપી હતી કે, બધા ક્યાં ગયા, કાલે તમે તૈયાર રહેજો. ટોળકીએ ધમકી આપ્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા. વૃદ્ધોને ગાળો ભાંડી જતા રહ્યા
રમણભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી એટલે પોલીસને સમગ્ર ઘટનાની જાણ અગાઉથી થઈ ગઈ હતી. ગઈકાલે રમણભાઈ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે યુવક ચાર શખ્સોને લઈને ફરી આવ્યો હતો. તમામે વૃદ્ધોને ગાળો ભાંડી ત્યાંથી જતા રહ્યા હતા. રમણભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવક વધુ બે શખ્સોને લઈને આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કાર્યવાહી કરી હતી. 3 શખ્સની ધરપકડ
આ મામલે પોલીસે વિપુલ દેસાઈ, વિષ્ણુ દેસાઈ અને રોહિત દેસાઈની ધરપકડ કરી છે. અગાઉ બબાલ કરવા આવેલા અન્ય શખ્સો અંગે પૂછપરછ કરતાં તેમના નામ કિસ્મત રબારી, શ્રેયાંગ દેસાઈ અને પ્રણવ દેસાઈ હોવાનું સામે આવ્યું હતું.
યુવકનું યુવતી સાથે બીભત્સ વર્તન, વૃદ્ધે ઠપકો આપતા ઉગ્ર થયો:સાયન્સ સિટીના ગાર્ડનમાં ટોળું લઈને આવ્યો ને ધમકી આપી, 3ની ધરપકડ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
