Isha Foundationના 77 તીર્થયાત્રીઓનું એક ગ્રુપ બે દિવસ પહેલા ચીન-નેપાળ સરહદ નજીકના વિસ્તારોમાં અચાનક આવેલા પૂર બાદ લાપતા થઈ ગયું હતું. ગ્રુપના કોઓર્ડિનેટરે શુક્રવારે જણાવ્યું કે તેમના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ભારતીય આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ (સદગુરુ) દ્વારા સ્થાપિત સંગઠન, ઈશા ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળનું આ 77 સભ્યોનું ગ્રુપ સંપર્ક વિહોણું છે. ગ્રુપના કોઓર્ડિનેટર મા ગંભીરીએ જણાવ્યું કે સદગુરુ મદદ માટે આપત્તિગ્રસ્ત મુખ્ય વિસ્તાર (ગ્રાઉન્ડ ઝીરો) ગ્યિરૉંગ જવા માંગતા હતા, પરંતુ તેમને જરૂરી મંજૂરી મળી નહોતી.
ભારત, ચીન અને નેપાળમાં તમામ દૂતાવાસોનો સંપર્ક
તેમણે જણાવ્યું કે, ગ્રુપમાં 19 દેશોના લોકો સામેલ હતા અને તેમણે દરેક પ્રકારની મદદ મેળવવા માટે ભારત, ચીન અને નેપાળમાં તમામ દૂતાવાસોનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે માહિતી અને મદદ મેળવવા માટે તેમણે ભારત અને નેપાળની અનેક કચેરીઓ અને મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. મા ગંભીરીએ કહ્યું, છેલ્લા બે દિવસથી ઈશા ફાઉન્ડેશનના લાપતા 77 તીર્થયાત્રીઓ વિશે કોઈ માહિતી મળી નથી. બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ઈશા ફાઉન્ડેશન દર સીઝનમાં અનેક વખત કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે
તેમણે આગળ કહ્યું કે 77 પરિવારો આતુરતાથી જવાબની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આ ખૂબ જ મુશ્કેલ અને ભાવનાત્મક સમય છે. ઈશા ફાઉન્ડેશન દર સીઝનમાં અનેક વખત કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. ગ્રુપ કાઠમંડુથી નેપાળ થઈને તિબેટ જાય છે અને યાત્રા દરમિયાન પગપાળા ટ્રેકિંગ પણ કરે છે.
ગ્યિરૉંગમાં ઈમિગ્રેશન ઓફિસમાં હતું ગ્રુપ
બુધવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવેલા એક સંદેશમાં સદગુરુએ જણાવ્યું હતું કે તેમનું એક કૈલાશ યાત્રા ગ્રુપ નેપાળ પરત ફરતી વખતે અચાનક આવેલા પૂરમાં ફસાઈ ગયું હતું. પૂર આવ્યું ત્યારે આ ગ્રુપ ગ્યિરૉંગની ઈમિગ્રેશન ઓફિસમાં હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરના પાણીથી ઈમારત અને શહેરનો મોટો ભાગ ડૂબી ગયો હતો. તેમણે જણાવ્યું કે ત્રણ વોલન્ટિયર નેપાળના તિમુરેમાં ફસાઈ ગયા હતા.
અત્યાર સુધી 579 લોકોનાં મોત
લાપતા તીર્થયાત્રીઓમાં અમેરિકાના 22, કેનેડાના 12, ઓસ્ટ્રેલિયાના 11, યુકેના 9, જર્મનીના 4, ફ્રાન્સ અને નેપાળના 3-3, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને સ્પેનના 2-2, તેમજ ફિનલેન્ડ, હંગેરી, ઈઝરાયલ, લિથુઆનિયા, ફિલિપાઈન્સ, પોર્ટુગલ, રશિયા અને દક્ષિણ આફ્રિકાના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. નેપાળ પોલીસ અનુસાર, આ તબાહીમાં ઓછામાં ઓછા 579 લોકોનાં મોત થયા છે અને લગભગ એક હજાર લોકો લાપતા છે.
