સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા સ્ટારસિટી બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર ગાડી અચાનક બેકાબૂ બની હતી અને આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ચીસિયારીઓ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
એક મુસાફરનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત
ટેમ્પો ટ્રાવેલર અને ટ્રેલર વચ્ચે થયેલી આ સખત ટક્કરમાં ટેમ્પો ટ્રાવેલરનો આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનીય પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
