Unaના નાંદરખ ગામે શિકારની શોધમાં આવેલા સિંહે સૂતેલા 70 વર્ષના વૃદ્ધ પર કર્યો હુમલો

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ઉના તાલુકાના નાંદરખ ગામે વહેલી સવારે સિંહના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. ગામના 70 વર્ષીય ભુપતભાઈ ગોહિલ નામના વૃદ્ધ પોતાના ખેતરે આવેલા મકાનની બહાર સૂતા હતા, તે દરમિયાન શિકારની શોધમાં ત્યાં આવી પહોંચેલા સિંહે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા ભુપતભાઈને તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક અસરથી ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાંચ દિવસ પહેલાં પણ યુવાન બન્યો હતો ભોગ

નાંદરખ ગામમાં સિંહના ત્રાસથી ગ્રામજનોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર પાંચ દિવસ પહેલા જ આ જ ગામમાં એક યુવાન ઉપર પણ સિંહે હુમલો કર્યો હતો. ઘટના અંગે પરિવારજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા જ વન વિભાગના કર્મચારીઓનો કાફલો પણ દર્દીના હાલચાલ જાણવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો.

હિંસક પ્રાણીઓને ખસેડવા ગ્રામજનોની માગ

ટૂંકા ગાળામાં સિંહના બે-બે હુમલાની ઘટનાઓ બનતા નાંદરખ ગામના સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વન વિભાગ દ્વારા નાંદરખ ગામ અને આસપાસના વિસ્તારમાં નિયમિત રીતે (રેગ્યુલર) પેટ્રોલિંગ કરવામાં આવે. આ સાથે જ માનવવસવાટ નજીક આંટાફેરા મારતા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને તાત્કાલિક પાંજરે પૂરીને ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી મક્કમ માંગણી ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *