Nepal Flood : કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલું અમદાવાદનું NRI દંપતી ગુમ, મણિનગરમાં પરિવાર ચિંતાતુર

📅 Published: August 29, 2026 | 📂 Category: Ahmedabad

મૂળ અમદાવાદના અને હાલ ન્યૂઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલું એક દંપતી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા કરવા માટે ભારત આવ્યું હતું. આ દંપતી નેપાળ બોર્ડર ક્રોસ કરીને આગળ વધી રહ્યું હતું તે દરમિયાન નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા છે. દંપતી ગુમ થવાના સમાચાર મળતાં જ અમદાવાદના મણિનગર સ્થિત તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. નેપાળમાં બનેલી આ હોનારતમાં અન્ય ભારતીયો પણ ગુમ થયા હોવાના અહેવાલો વચ્ચે મણિનગરના પરિવારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ છે.

ફોન સ્વિચ ઓફ આવતા સંપર્ક તૂટ્યો

દુર્ઘટના ઘટી ત્યારથી જ ગુમ થયેલા દંપતીના મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે, જેના કારણે પરિવારનો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ચિંતાતુર પરિવારજનોએ આશંકા વચ્ચે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. પરિવારજનોનું માનવું છે કે જો નેપાળ અને ચીન સરકાર બંને તરફથી વધુ સપોર્ટ અને મદદ મળે, તો રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બની શકે છે અને ગુમ થયેલા દંપતી સહિત અન્ય લોકોને વહેલી તકે શોધી શકાય તેમ છે.

સ્થાનિક ધારાસભ્ય અને ભાજપ સંગઠન પરિવારના સતત સંપર્કમાં

આ મુશ્કેલ સમયમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ મણિનગર સ્થિત પીડિત પરિવારના સતત સંપર્કમાં છે. નેતાઓ અને તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે દંપતીની શોધખોળ માટે ઉચ્ચ સ્તરે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર પરિવાર પોતાના સ્વજનોના કુશળ સમાચાર મેળવવા અને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *