ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં છ દિવસીય ઝૂલણ યાત્રાનું શ્રી બલરામ જયંતિના શુભ દિવસે સમાપન થયું. આ ઉત્સવ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈ પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગોવાળો તથા ગોપીઓ બાળપણમાં વૃક્ષ નીચે ઝૂલતા હતા તે પ્રસંગની યાદમાં ઉજવાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રાધા અને અન્ય ગોપીઓ-ગોવાળો વૃંદાવનમાં આનંદપૂર્વક ઝૂલતા હતા. ઝૂલણ ઉત્સવ ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરાતી એક વિશેષ સેવા છે. ચોમાસામાં ભેજવાળું અને ગરમ વાતાવરણ હોય છે, ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાનીને ઝૂલણ પર બિરાજમાન કરી ધીમી ગતિએ ઝૂલાવી ઠંડક અને આનંદ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ આનંદદાયક ઉત્સવમાં ઝૂલણને વન લતાઓ, જાસ્મિન (માલતી) અને ઋતુના તાજા પુષ્પોની માળાથી શણગારવામાં આવે છે. ઘણીવાર દૈવી દંપતી શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાની પર ઝૂલણ દરમિયાન આહલાદક ગુલાબજળનો છંટકાવ પણ કરવામાં આવે છે.
ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં 6 દિવસીય ઝૂલણ યાત્રા સંપન્ન:શ્રી બલરામ જયંતિએ રાધા-કૃષ્ણના ઝૂલણ દર્શનનો ભક્તોએ લાભ લીધો
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
