વલસાડમાં સંસ્કૃત સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો સંસ્કૃત સાહિત્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો. આ પ્રસંગે કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યની સમૃદ્ધ પરંપરા દર્શાવતું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન વલસાડના પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં સંસ્કૃત ભાષાના વિવિધ મહાકાવ્યો, પ્રાચીન અને અર્વાચીન ગ્રંથો, પુસ્તકો, સાહિત્યિક કૃતિઓ, લેખો તેમજ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતી સામગ્રી રજૂ કરવામાં આવી હતી. કોલેજના સંસ્કૃત વિભાગના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે વિવિધ સાહિત્યિક કૃતિઓ અને સંસ્કૃત સાહિત્ય અંગેની માહિતીનું સંકલન કરી પ્રદર્શનને આકર્ષક બનાવ્યું હતું. મુલાકાતીઓને સંસ્કૃત ભાષાની સમૃદ્ધ સાહિત્યિક પરંપરા અને ભારતીય જ્ઞાન-સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે જાણકારી મળી હતી. કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ રસપૂર્વક પુસ્તકો, ગ્રંથો અને સાહિત્યિક કૃતિઓ નિહાળી સંસ્કૃત ભાષા તથા સાહિત્ય વિશે નવી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ઉત્સાહ, જિજ્ઞાસા અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંસ્કૃતના સમૃદ્ધ જ્ઞાન, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો તથા સંસ્કૃત ભાષા પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક અપેક્ષાબેન પટેલ, સંસ્કૃત સાહિત્ય સપ્તાહના નોડલ તેજલબેન પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેજસભાઈ પટેલ તથા અક્ષયભાઈ આહિર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડમાં સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવાયો:જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજમાં જિલ્લા કક્ષાનું પ્રદર્શન યોજાયું
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
