CBNએ 66.79 લાખ સાઈકોટ્રોપિક ટેબલેટ કરી જપ્ત, એક વ્યક્તિને ઝડપ્યો

📅 Published: August 29, 2026 | 📂 Category: India National

સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ (CBN)એ ‘ઓપરેશન વજ્ર 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરી ચંડીગઢ-બદ્દી રૂટ પર 66,79,980 સાઈકોટ્રોપિક ટેબલેટ જપ્ત કરી છે. આ કાર્યવાહી પંજાબ-હિમાચલ પ્રદેશ કોરિડોરમાં કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા જથ્થામાં અલ્પ્રાઝોલામ, ટ્રામાડોલ, નાઈટ્રાઝેપામ અને ક્લોનાઝેપામ જેવી દવાઓનો સમાવેશ થાય છે.

એક્સપાયરી ડેટ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવી 

CBNના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ એક ટ્રકની તપાસ દરમિયાન 120 માસ્ટર કાર્ટનમાંથી આ ટેબલેટનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં લઈ જવાઈ રહેલા માલ માટે માન્ય ઈન્વૉઈસ અથવા ઈ-વે બિલ પણ મળી આવ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં માલના ગેરકાયદે પરિવહન અને ફાર્માસ્યુટિકલ દવાઓના ડાયવર્ઝનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન એક મહત્વની બાબત સામે આવી હતી. ટેબલેટના બેચ નંબર અને એક્સપાયરી ડેટ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવ્યા હતા. CBNના મતે, આ રીતે દવાઓની ઓળખ અને ટ્રેકિંગ મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર નેટવર્કને શોધવા તજવીજ હાથ ધરાઈ 

આ કેસમાં CBNએ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક ટ્રક પણ જપ્ત કર્યો છે. અધિકારીઓ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં સાઈકોટ્રોપિક દવાઓ ક્યાંથી આવી અને તેને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે.

CBN દ્વારા દવાઓના ઉત્પાદનથી લઈને તેના ગેરકાયદે વિતરણ સુધીના સમગ્ર નેટવર્કને શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ જથ્થાના ઉત્પાદન, પરિવહન અને વિતરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ આગળ વધતાં આ ફાર્મા ડાયવર્ઝન રેકેટ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ FIR, HCની શરતોના ઉલ્લંઘન પર એક્શન

  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *