વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃત અસ્મિતા પ્રદર્શની યોજાઈ:વિવિધ સ્પર્ધાઓ સાથે સાહિત્ય ગ્રંથોનું પ્રદર્શન કરાયું

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ સાહિત્ય પ્રત્યે વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં રસ, જાગૃતિ અને અભિરુચિ કેળવવાના હેતુસર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત, શ્લોકગાન સહિતની સ્પર્ધાઓ અને સંસ્કૃતની અસ્મિતાને પ્રગટ કરતી પ્રદર્શની યોજાઈ હતી. સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ પ્રદર્શનીમાં ભારતના વિવિધ પ્રદેશો, નદીઓ, ભૌગોલિક સ્થાનો, વિવિધ રમતો, ફળ-ફૂલના નામ, ઘરવખરીની ચીજવસ્તુઓ, વિજ્ઞાનના પ્રયોગો, શારીરિક ભાવ-ભંગિમાઓ અને અંગો સહિતની ઉપયોગી વસ્તુઓની સંસ્કૃતમાં નામાવલી દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં અગ્નિમહાપુરાણ, ભવિષ્યમહાપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વાયુપુરાણ, સંક્ષિપ્ત નારદપુરાણ અને પદ્મમહાપુરાણ જેવા વૈદિક તથા સાહિત્યિક ગ્રંથો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનીના માધ્યમથી વિજ્ઞાન અને સંસ્કૃતના સુભગ સમન્વયને નિહાળ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રદર્શનીની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યે પોતાનો ઉદ્દાત ભાવ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનીના માધ્યમથી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક મહત્ત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *