ભરૂચમાં સમરસ કળશ કાવડ યાત્રા યોજાઈ:શ્રાવણ માસમાં ભક્તો અને સંતો મોટી સંખ્યામાં જોડાયા

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચમાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપતી સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સંતો-મહંતો અને અગ્રણીઓ જોડાયા હતા. આ કાવડ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા, સશક્ત ફાઉન્ડેશન તથા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ હતી. નર્મદા નદીના પવિત્ર જળ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ દેવાચાર્ય મહારાજ, પ્રદેશ અધ્યક્ષ દિલીપદાસજી મહારાજ અને દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાવડ યાત્રામાં શ્રદ્ધાળુઓ કળશમાં ભરેલું નર્મદાનું પવિત્ર જળ લઈને જંબુસરના કાવિ-કંબોઈ ખાતે આવેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. ત્યાં ભગવાન શિવનો નર્મદા જળથી અભિષેક કરવામાં આવશે. હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ આર. વાંસિયા અને શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા દ્વારા ભક્તિ સાથે સામાજિક સમરસતા, ધાર્મિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *