મશહૂર રેસલર અને WWE સ્ટાર ધ ગ્રેટ ખલીની ગાડીનો શનિવારે પાણીપત ટોલ પ્લાઝા નજીક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ખલી પંજાબથી સોનીપત તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડી અકસ્માતનો ભોગ બની હતી. જોકે રાહતની વાત એ છે કે ધ ગ્રેટ ખલીને કોઈ ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.
અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં ખલીની ગાડીને નુકસાન થયું હતું. જોકે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગાડી અન્ય કોઈ વાહન સાથે અથડાઈ હતી કે રસ્તા પરની કોઈ પરિસ્થિતિને કારણે અકસ્માત સર્જાયો હતો, તેની માહિતી હજુ સામે આવી નથી.
ક્ષતિગ્રસ્ત ગાડી સ્થળ પર જ છોડી
અકસ્માત બાદ ધ ગ્રેટ ખલીએ પોતાની ક્ષતિગ્રસ્ત ગાડી ઘટનાસ્થળે જ છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે અન્ય વાહનની વ્યવસ્થા કરી અને સોનીપત તરફ રવાના થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ ખલીના ફેન્સમાં ચિંતા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પર પણ તેમના અકસ્માતના સમાચાર ઝડપથી ફેલાયા હતા. જોકે ખલી સુરક્ષિત હોવાની માહિતી મળતાં ફેન્સે રાહત અનુભવી હતી.
WWEથી બનાવી અલગ ઓળખ
ધ ગ્રેટ ખલીનું અસલી નામ દલીપ સિંહ રાણા છે અને તેઓ હિમાચલ પ્રદેશના વતની છે. WWEમાં પ્રવેશ કર્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની ઊંચાઈ, શક્તિ અને રિંગમાં અલગ અંદાજને કારણે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા. ખલીએ WWEમાં અનેક જાણીતા રેસલર્સ સામે મુકાબલા કર્યા છે. ભારતમાં પણ તેમના મોટી સંખ્યામાં ફેન્સ છે. રેસલિંગ સાથે તેઓ યુવાનોને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. હાલ પાણીપત નજીક થયેલા અકસ્માતને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Indian Railwayના 7 વ્યસ્ત રૂટ બનશે ફોર-લેન, 11,000 કિલોમીટરના ટ્રેકનું થશે વિસ્તરણ
