Vadodara: 2047નું ભારત માત્ર સરકારી નીતિથી નહીં, યુવા શક્તિની કલ્પનાથી રચાશે

📅 Published: August 29, 2026 | 📂 Category: Baroda

શહેર નજીકની GSFC યુનિ.ના 8મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં DRDOના પૂર્વ DG અને નીતિ આયોગના પૂર્વ સભ્ય પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે હતું કે, જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આજની યુવા પેઢી પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર હશે. વિકસિત ભારત @ 2047 માત્ર સરકારની નીતિઓથી નિર્માણ નહીંપામે, પરંતુ દેશના યુવાનોની સામૂહિક કલ્પનાશક્તિ, નેતૃત્વ અને પુરુષાર્થથી બનશે.

શહેર નજીક ફ્ર્ટિલાઇઝર નગર ખાતે આજે GSFC યુનિ.નો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્કૂલ ઑફ્ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ્ સાયન્સ અને સ્કૂલ ઑફ્ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થિનીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ ઉપરાંત 17 પૈકી 12 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓને મળ્યાં હતાં. આ સાથે 15 સિલ્વર મેડલ એનાયત કરાયા હતાં. આ સમારોહના ચીફ ગેસ્ટ પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે જણાવ્યું હતું કે, ભવિષ્ય માત્ર ડિગ્રી મેળવનારાઓનું નથી, પરંતુ જેમનામાં સતત શીખવાની , બદલાવ સ્વીકારવાની અને નવું સર્જન કરવાની ક્ષમતા છે તેમનું છે.

મશીનો અને AI ગમે તેટલી ઝડપથી કામ કરે, પણ તે માનવીય કલ્પનાશક્તિ, નૈતિક વિવેકબુદ્ધિ અને સંવેદનાની જગ્યા ન લઈ શકે. તેમણે UPI, આધાર અનેડિઝિલૉકર જેવા ભારતીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ આપી તેમને જણાવ્યું હતું કે, ટેક્નોલોજી જ્યારે સામાજિક કલ્યાણ સાથે જોડાય છે ત્યારે વૈશ્વિક મિસાલ બને છે. તેમણે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના સપના જોવા અને તેને પરિણામમાં બદલવાના સંદેશ તેમજ સ્વામી વિવેકાનંદના એક વિચારને પકડીને તેને જીવન બનાવી લોના વિચારને યાદ કર્યો હતો.

બીજી તરફ તેમને વિદ્યાર્થીઓને સફળતા માટે આઠ સૂત્ર આપ્યા હતા. જેમાં વૈજ્ઞાનિક અભિગમ, સતત નવું શિખવાની તૈયારી, ડિજીટલ સશક્તિકરણ, ક્રિટીકલ થિન્કીંગ તથા ક્રિએટીવીટી, સહયોગ ભાવનાત્મક બુદ્ધિમતા, કમ્યુનિકેશન સ્કીલ અને નિષ્ફળતાથી ડર્યા વગર વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે, તમારી પદવી એક માત્ર શૈક્ષણિક લાયકાત નથી પરંતુ જ્ઞાન, નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં સાર્થક પરિવર્તન લાવવાની એક મોટી જવાબદારી છે.

તૈત્તિરીય ઉપનિષદના દીક્ષાંત મંત્ર સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ નો ઉલ્લેખ કરતાં તેમણે પદવીધારકોને ઉમેર્યું હતું કે, જીવનમાં ક્યારેય નૈતિકતા અને ચારિર્ત્ય સાથે સમજૂતી ન કરવી. જ્યારે વ્યક્તિગત લાભ અને જાહેરહિત વચ્ચે દ્વંદ્વ સર્જાય ત્યારે હંમેશાં સત્ય અને રાષ્ટ્રહિતને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આ સમારોહમાં યુનિ.ના VC પો. જી. આર. સિંહા, રજિસ્ટ્રાર મનીષ પ્રધાન, ગવર્નિંગ બોડીના સભ્યો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ફેકલ્ટી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *