'સરકારે દારૂ પોલિસીમાં છૂટછાટ આપવી જોઇએ':25 માળની ઇમારતો, 450થી વધુ હોટેલ્સ, લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ; અમદાવાદ બની રહ્યું છે 'મિનિ દુબઈ'

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

કલ્પના કરો: તમે અમદાવાદના સૌથી પોશ એવા સિંધુ ભવનથી એસ.પી. રિંગ રોડ તરફ નીકળ્યા છો, અને રસ્તાની બંને બાજુ કાચની દીવાલોવાળા ટાવર્સ આકાશને આંબી રહ્યા છે. રાત્રે તેમની લાઇટ્સ દુબઇની ‘જુમેરાહ સ્કાયલાઇન’ની યાદ અપાવે છે. વેલ, આ કોઈ કલ્પના નથી, બલકે આ અમદાવાદનું આજથી માંડ ત્રણેક વર્ષ પછીનું ચિત્ર છે, અને તેનું કામ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યું છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદનાં આખાં રંગરૂપ બદલાઈ જવાનાં છે. શહેરમાં અત્યારે 3 નવી ફાઇવસ્ટાર હોટેલ બની રહી છે, જ્યારે વધુ 2 પ્રોજેક્ટ્સ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. કુલ મળીને 5 નવા લક્ઝરી પ્રોજેક્ટ્સ શહેરમાં આવવાના છે. આજની ‘સન્ડે બિગ સ્ટોરી’માં વાત કરીએ, રોકેટગતિએ આકાર લઈ રહેલા ‘લક્ઝુરિયસ અમદાવાદ’ની. મિલોના શહેરથી ‘સ્કાયલાઇન સિટી’ સુધીની સફર
એક સમયે કાપડની મિલો માટે ઓળખાતું અમદાવાદ આજે દેશના સૌથી ઝડપથી બદલાતાં શહેરોમાં ગણાય છે. ઇન્ડસ્ટ્રિયલ હબમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ સુધીની આ સફર નીચેની ટાઇમલાઇનમાં જુઓ: આવી રહી છે, 5 નવી ફાઇવસ્ટાર હોટેલ, ₹500 કરોડનું રોકાણ
દેશ-વિદેશના પ્રવાસીઓ, અધિકારીઓ અને દર્શકોને વિશ્વસ્તરની સુવિધા મળે તે માટે અમદાવાદમાં 5 નવી ફાઇવસ્ટાર હોટેલ બનવાની છે. તેમાંથી 3 હોટેલ સિંધુ ભવનથી બાગબાન રોડ અને એસ.પી. રિંગ રોડ-આંબલી નજીક બની રહી છે, જ્યારે 2 પ્રોજેક્ટ્સ મંજૂરીની રાહમાં છે. માત્ર હોટેલ જ નહીં, ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ગુજરાતમાં મોટું રોકાણ આવી રહ્યું છે. રાજ્ય સરકાર સાથે લગભગ 100 મોટી રેસ્ટોરાં ચેઇન્સના MoU થયા છે, જેનાથી અંદાજે 500 કરોડ રૂપિયાનું રોકાણ રાજ્યમાં ઠલવાશે. એવી પણ શક્યતા છે કે સરકાર 2011ની જૂની હોટેલ પોલિસીના સ્થાને નવી પોલિસી લાવે, જેમાં બિલ્ડર્સ માટે ખાસ છૂટછાટ હોઈ શકે. મોટી બ્રાન્ડ્સ પણ ચારેય બાજુથી અમદાવાદમાં પ્રવેશી રહી છે, અને ધોલેરામાં પણ એટલી જ ઝડપે વિકાસ ચાલી રહ્યો છે, જ્યાં આગામી સમયમાં મોટી હોટેલ્સ આવવાની છે. શહેરમાં સૌથી વધુ હોટેલ પશ્ચિમ ઝોનમાં બનવાની છે. રિવરફ્રન્ટ પર અને એરપોર્ટ નજીક પણ મોટા લક્ઝરી પ્રોજેક્ટ્સ આકાર લેશે, જ્યારે પૂર્વ અમદાવાદમાં કેટલાક ફોર-સ્ટાર હોટેલ પ્રોજેક્ટ્સ પણ આવશે. ‘4 વર્ષમાં હોટેલ ઇન્ડસ્ટ્રી ડબલ ગતિએ વધશે’
અમદાવાદના આ ફાસ્ટ એન્ડ ફ્યુચરિસ્ટિક વિકાસ વિશે અમે ‘ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી સાથે વાત કરી. નરેન્દ્ર સોમાણી અમદાવાદની ખ્યાતનામ ‘ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ’ (TGB)ના માલિક પણ છે. તેઓ કહે છેઃ “અમદાવાદમાં અત્યારે 450થી વધુ ફાઇવસ્ટારથી લઈને થ્રીસ્ટાર હોટેલ છે, જેમાં 12થી 15 હજાર રૂમ છે. 2030 સુધીમાં આટલું જ વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. યાને કે આ સંખ્યા બમણી થઈ જશે. મોટી ઇવેન્ટ્સના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીને સીધો ફાયદો થશે.” ‘લિકર પોલિસીમાં છૂટછાટ આપો, તો મેરેજ ઇકોનોમી બૂસ્ટ થાય’: નરેન્દ્ર સોમાણી
દારૂબંધી ગુજરાત માટે કાયમ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. થોડા સમય પહેલાં ગાંધીનગરના ‘ગિફ્ટ સિટી’માં દારૂ પીરસવા અંગે છૂટછાટો આપવાના મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. નરેન્દ્ર સોમાણી હવે તેમાં એક ઓર ડગલું આગળ જવાની વાત કરે છે. ‘‘જેમ-જેમ ફાઇવસ્ટાર હોટેલનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ સરકારે લિકર પોલિસીમાં પણ છૂટછાટ વિશે વિચારવું જોઈએ, કારણ કે તેનાથી ટૂરિઝમને સીધો ફાયદો થાય છે. ગુજરાતના લોકો દર વર્ષે 500થી વધુ લગ્નો રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં યોજે છે. જો પોલિસીમાં છૂટછાટ મળે તો આ લગ્નો ગુજરાતમાં જ યોજાવા લાગે, અને તેનો ફાયદો સીધો રાજ્યને મળે.’’ કોલ્ડપ્લેથી વર્લ્ડ કપ સુધી, ઇવેન્ટ્સે બદલી રમત
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ, IPL અને ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જેવી મોટી ઇવેન્ટ્સ યોજાઈ છે. આવી ઇવેન્ટ્સ થોડાં વર્ષો પહેલાં અહીં કરવી શક્ય જ નહોતી, તે હવે ધીરે-ધીરે શક્ય બની રહી છે. વિશ્વના મસમોટા સ્ટાર્સ અહીં પર્ફોર્મ કરવા આવી રહ્યા છે. તેની સાથે ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રી બંનેને ફાયદો થઈ રહ્યો છે. જેન-ઝી જનરેશન લક્ઝરી લાઇફસ્ટાઇલ પસંદ કરે છે, એટલે મોટી ઇવેન્ટ્સમાં તેમની હાજરી નોંધપાત્ર રહે છે, જેના કારણે પ્રીમિયમ સુવિધાઓ ઊભી કરવા પર ફોકસ વધ્યું છે. જોકે સોમાણીના મતે હાલમાં સપ્લાયનો કોઈ મોટો ગેપ નથી, પણ જ્યારે મોટી ઇવેન્ટ્સ આવે છે ત્યારે ટેમ્પરરી 20થી 30 ટકાનો ગેપ સર્જાય છે. કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ માટે જો હોટેલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ધીમો રહ્યો તો મુશ્કેલી સર્જાઈ શકે છે, જોકે તેમના મતે સરકાર આ દિશામાં નવી પોલિસીઓ સાથે સારી કામગીરી કરી રહી છે. ગુજરાતીઓ જ હોટેલ ઇન્ડસ્ટ્રીથી કેમ દૂર ભાગે છે?
તમે એક વસ્તુ ચોક્કસ નોટિસ કરી હશે કે કોઇપણ પૉશ અને લક્ઝરી હોટેલ કે રેસ્ટોરાંમાં સ્ટાફ તો બિનગુજરાતી જ હોય છે. આપણે ધડાધડ લક્ઝુરિયસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભું કરી દઇશું, પરંતુ તે માટે સ્ટાફ ક્યાંથી લાવીશું. આ ચિંતા વિશે વાત કરતાં સોમાણી કહે છે, ‘ગુજરાતમાં જ ગુજરાતી લોકો હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા નથી માગતા, જેના કારણે ઉત્તરાખંડ, યુપી અને બિહારના લોકોને વધુ તક મળી રહી છે. તેમના મતે સરકારે હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્કીલ ડેવલપમેન્ટના ટૂંકા કોર્સ શરૂ કરવા જોઈએ, જેથી ગુજરાતી યુવાનોને જ રોજગારી મળે.’ અમદાવાદ સિવાય ગુજરાતમાં કેટલી હોટેલ્સ આવેલી છે તે પણ જાણો. સિંગલ વિન્ડો ક્લિયરન્સ: બિલ્ડર્સની સૌથી મોટી માંગ
હોટેલ ઇન્ડસ્ટ્રી ઉપરાંત બિલ્ડર્સ પણ ઝડપી વિકાસ માટે એક જ મોટી માંગ કરી રહ્યા છેઃ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ. યાને કે તમામ પ્રકારનાં ક્લિયરન્સ, NOC વગેરે બધું એક જ જગ્યાએથી અને ફટાફટ મળી જાય. સામાન્ય લોકોની સામે ઝટ ન આવતો, પરંતુ અત્યંત જટિલ એવો આ મુદ્દો ભારે અગત્યનો છે. તે માટે દિવ્ય ભાસ્કરે CREDAI (કન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનન ઓફ ઇન્ડિયા), અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈ સાથે વાત કરી. બાય ધ વે, દેશભરના 13 હજારથી વધુ પ્રોપર્ટી ડેવલપર્સ ક્રેડાઈના સભ્યો છે, જ્યારે અમદાવાદમાં આ આંકડો 1300થી વધુનો છે. ક્રેડાઈ પ્રોપર્ટી ડેવલપર્સ, સરકાર અને ગ્રાહકો વચ્ચેના સેતુરૂપ કાર્ય કરે છે. અંકુર દેસાઈના મતે ગુજરાતમાં હાલમાં મોટા પાયે માઇગ્રેશન થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે ઉપલબ્ધ સ્પેસ કરતાં બમણી સ્પેસની જરૂર પડશે. સરકાર 2030 સુધીમાં પ્રચંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે, પણ પ્રાઇવેટ ડેવલપર્સને સાથે લઈને ઝડપી મંજૂરીની વ્યવસ્થા ઊભી કરવી પડશે. અત્યારે પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ પ્લાન પાસ કરાવવામાં ઘણો સમય લાગે છે. આ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આવે તો એ જ કામ 1-2 મહિનામાં પૂરું થઈ શકે. 24 માળની બિલ્ડિંગ્સ, અમદાવાદનું ‘ન્યૂ નોર્મલ’
2001ના ભૂકંપ પછીથી અમદાવાદ સતત ટ્રાન્ઝિટ મોડમાં છે. 2011 સુધીમાં સારા નિયમો બન્યા, ત્યાર બાદ રેપિડ ડેવલપમેન્ટ શરૂ થયું. 2017-18થી આઇકોનિક બિલ્ડિંગ્સને પરમિશન મળવાનું શરૂ થયું અને શહેરનો વિકાસ એકદમ ઝડપી બન્યો. અમદાવાદમાં અત્યાર સુધી 14 માળ એટલે કે 45 મીટરની બિલ્ડિંગ ‘ન્યૂ નોર્મલ’ ગણાતી હતી. 2017 પછી 22 માળના ‘ટોલ ટાવર’ બનવા લાગ્યા, અને હવે તેનાથી પણ ઊંચી ‘આઇકોનિક’ બિલ્ડિંગ્સ’નો દોર શરૂ થયો છે. અંકુરભાઈનું કહેવું છે કે 70 મીટરની બિલ્ડિંગનો પ્લાન પાસ કરવાની પ્રક્રિયા પણ 45 મીટરની બિલ્ડિંગ જેટલી જ ઝડપી બનવી જોઈએ, તો જ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થઈ શકશે. ‘અમદાવાદ અડધું સિંગાપોર તો બની જ ચૂક્યું છે’
2015-16માં અમદાવાદને સિંગાપોર અને દુબઇ જેવું બનાવવાની વાત શરૂ થઈ હતી. અત્યારે પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગ્સ બની રહી છે, અને ચાર વર્ષ પહેલાં જે આઇકોનિક બિલ્ડિંગ્સને મંજૂરી મળી હતી તે હવે લગભગ પૂર્ણતાના આરે છે અને શહેરની નવી સ્કાયલાઇન આકાર લેવા માંડી છે. અમદાવાદ શહેરની ચારેય દિશામાં તેનો વિકાસ થઈ રહ્યો છેઃ WAPA (વેસ્ટ અમદાવાદ પ્રીમિયમ અરેના), સાઉથ બોપલ, શીલજ, શેલા, ઓગણજ, ભાડજ, વૈષ્ણોદેવી, ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં સૌથી વધુ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. કોમનવેલ્થ જેવી ગેમ્સ આવવાથી આ વિકાસમાં મોટો બૂમ આવી શકે છે. શહેરની બદલાતી ભૂગોળને ગ્લોબલ પર્પ્સેક્ટિવમાં મૂકતાં અંકુર દેસાઈ કહે છે, ‘અમદાવાદની ફરતે 76 કિલોમીટરનો રિંગ રોડ છે, એટલે મારા મત મુજબ આ શહેર અડધું સિંગાપોર તો બની જ ચૂક્યું છે. હવે 90 મીટર પહોળો નવો રિંગ રોડ ખૂલવાનો છે.’ 100-105 કિલોમીટર લાંબો આ અમદાવાદનો ત્રીજો અને આઉટર રિંગ રોડ અત્યારના SP રિંગ રોડ કરતાં લગભગ બમણો પહોળો હશે અને તેમાં આઠ લેન હશે. તેમાં કાસિન્દ્રા, મોરૈયા, જેતલપુર, ગોધાવી, ખાત્રજ, રણછોડપુરા જેવાં આસપાસનાં ગામો પણ આવરી લેવાશે. અંકુર દેસાઈના મતે નવી FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)નો ફાયદો બિલ્ડર્સને મળી ચૂક્યો છે, પણ એફોર્ડેબલ હાઉસિંગમાં ટેક્સનો લાભ ડેવલપર્સને નહીં, એન્ડ યુઝર એટલે કે મધ્યમવર્ગીય ગ્રાહકોને મળવો જોઈએ, જેથી મકાનની કિંમત કાબૂમાં રહી શકે. બિલ્ડર્સની એવી પણ માગ છે કે સ્ટેમ્પ ડ્યુટીમાં ગ્રાહકોને રાહત આપવામાં આવે. શું અમદાવાદ ‘સફેદ હાથી’ બનવાનું જોખમ ટાળી શકશે?
કોમનવેલ્થ ગેમ્સ જ્યાં પણ યોજાય છે, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો આર્થિક બોજ પડતો હોય છે અને ગેમ્સ પૂરી થયા બાદ તે ઘણી વખત ખાલી પડ્યા રહે છે અને ‘સફેદ હાથી’ જેવા સાબિત થાય છે. પરંતુ ભારતમાં વસ્તી જ એટલી મોટી છે કે આ જોખમ ઓછું છે. તેમ છતાં સરકાર પૂર્વ-આયોજિત પ્લાનિંગ કરી રહી છેઃ કેટલી હોટેલ અને કેટલા રૂમની જરૂર પડશે તેનો ચોક્કસ અંદાજ કાઢવામાં આવ્યો છે, અને ગેમ્સ પછી પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ચાલુ રહે તે માટે PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ પર કામ ચાલી રહ્યું છે. બીજો એક ઇન્ટરેસ્ટિંગ પોઇન્ટ છે, અમદાવાદમાં 2036નો ઓલિમ્પિક રમતોત્સવ. આ માટે ભારત સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યું છે. અમદાવાદમાં ઓલિમ્પિક્સ રમાશે કે કેમ તેનો નિર્ણય તો જાણે 2029ની મધ્યમાં લેવાશે, પરંતુ તેના પ્લાનિંગના ભાગરૂપે અમદાવાદમાં ઓલિમ્પિક પહેલાં પણ 7થી 8 મોટી ઇવેન્ટ્સ યોજાવાની છે. જો આ બધું યોજના મુજબ પાર પડ્યું, તો અમદાવાદ એન્ટરટેઇનમેન્ટ હબ, હોસ્પિટાલિટી હબ અને ટ્રાવેલ હબ તરીકે ઊભરી શકે છે. આગામી 3-4 વર્ષ: ઘર લેવા માટે ‘ગોલ્ડન વિન્ડો’?
આઇકોનિક બિલ્ડિંગ તૈયાર થવામાં ઓછામાં ઓછો 4 વર્ષનો સમય લાગે છે. એટલે નિષ્ણાતોના મતે આગામી 3-4 વર્ષ રહેવા કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની દૃષ્ટિએ અમદાવાદ માટે શ્રેષ્ઠ સમય છે. જોકે ભવિષ્યમાં સૌથી મોટો પડકાર સ્કિલ્ડ લેબરની અછતનો રહેશે. અત્યારે જ જરૂરિયાત પૂરી નથી થઈ રહી, તો આટલા મોટા પાયે નવું બાંધકામ આવે ત્યારે સ્કિલ્ડ લેબર ક્યાંથી લાવવું એ મોટો સવાલ છે. લેબર ટ્રેનિંગ સેન્ટર પર ફોકસ નહીં કરાય તો પ્રોજેક્ટ્સ સમયસર પૂરા નહીં થાય, અને આગામી 3-5 વર્ષમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ વધશે, જેનું ભારણ છેવટે ગ્રાહક પર જ આવશે. બાંધકામ વધવાની સાથે એક ચિંતા પણ ઊભી થાય છે, એર ક્વોલિટી. જેમ-જેમ કન્સ્ટ્રક્શન વધશે તેમ પ્રદૂષણ પણ વધશે અને શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ પર દબાણ વધશે, એટલે બને તેટલી ગ્રીન બિલ્ડિંગ્સ પર ભાર મૂકવો જરૂરી બનશે. ‘આવનારા બે દાયકા અમદાવાદના જ છે’
કોમનવેલ્થ ગેમ્સના કારણે આ દાયકો અમદાવાદનો ગણાય છે. 2047માં ભારતની આઝાદીનાં 100 વર્ષ પૂરાં થશે, અને તેના ભાગરૂપે દેશ ‘વિકસિત ભારત’ વિઝન તરફ આગળ વધી રહ્યો છે. આ સંદર્ભમાં નિષ્ણાતોનું માનવું છે કે માત્ર એક નહીં, પણ આવનારા બે દાયકા અમદાવાદના જ છે. અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવી છે? જલદી કરો!
• જો તમે અમદાવાદમાં ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી 3-4 વર્ષ ‘બેસ્ટ વિન્ડો’ ગણાવાઈ રહ્યાં છે. ત્યાર બાદ કન્સ્ટ્રક્શન કોસ્ટ અને ડિમાન્ડ બંને વધવાનાં છે. • હોસ્પિટાલિટી કે સ્કિલ્ડ લેબર સેક્ટરમાં કરિયર બનાવવા માગતા યુવાનો માટે આગામી દાયકો મોટી તક લઈને આવી રહ્યો છે. • પ્રવાસી કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર માટે અમદાવાદ ટૂંક સમયમાં દેશના ટોચના MICE (મિટીંગ-ઇન્સેન્ટિવ-કોન્ફરન્સ-ઇવેન્ટ) ડેસ્ટિનેશનમાં સામેલ થઈ શકે છે. ટૂંકમાં, સરકારના આગોતરા આયોજન અને પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીથી અમદાવાદ ‘સફેદ હાથી’ બન્યા વગર આગામી બે દાયકા સુધી દેશનું લીડિંગ હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *