કચ્છના માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરાઈ છતાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન યથાવત રહેતા અનેક શાળાઓમાં અભ્યાસને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા મુખ્ય વિષયોના શિક્ષકોની ઘટ હોવાની સ્થિતિ સામે આવી રહી છે. પૂરતા વિષય શિક્ષકો ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે વિદ્યાર્થીઓનો પાયો નબળો રહેવાની સાથે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો પર અસર પડવાની ચિંતા છે. શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ નબળું ન પડે તે માટે વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ દ્વારા જે-જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યાં સત્વરે ભરતી કરવાની માંગ ઉઠી છે. ટ્યુશનનો વિકલ્પ અંતરિયાળ વિસ્તારોમાં નથી
સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોમાંથી આવે છે. આવા પરિવારો માટે ખાનગી ટ્યુશનની ઊંચી ફી ચૂકવવી આર્થિક રીતે મુશ્કેલ છે. બીજી તરફ, કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ટ્યુશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ પૂરતા વિકલ્પો ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં શાળામાં જ પૂરતા અને વિષયવાર શિક્ષકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી વધુ મહત્વની બની જાય છે. એક શિક્ષકવાળી શાળાઓમાં મુશ્કેલી વધુ
કચ્છના અંતરિયાળ વિસ્તારોની ‘એક શિક્ષકવાળી શાળાઓ’માં સ્થિતિ વધુ ગંભીર બની છે. એક જ શિક્ષકને શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિવિધ વહીવટી અને બિનશૈક્ષણિક કામગીરી સંભાળવી પડતી હોવાથી તમામ વિષયોને પૂરતો ન્યાય આપવો મુશ્કેલ બને છે.
કરાર આધારિત ભરતી બાદ પણ મુખ્ય વિષયોના શિક્ષકોની અછત:જ્ઞાન સહાયક છતાં માધ્યમિક અને ઉ.માધ્યમિકમાં શિક્ષકોની ઘટ યથાવત
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
