રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શાળાના વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને પ્રેમ, સ્નેહ, કાળજી અને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપ્યો હતો. આ વિશેષ રક્ષાબંધન કાર્યક્રમમાં કુલ 122 પ્રતિભાગીઓ, જેમાં 89 વિદ્યાર્થીઓ અને 32 શિક્ષકોનો સમાવેશ થાય છે, જોડાયા હતા. ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 17 રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ જરૂરિયાત ધરાવતા 13 બાળકો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.જેમાં ભાવનગરની પી એમ મોડેલ સ્કૂલ, શામપરાની ધો.9ની વિદ્યાર્થિની ડાંગર જેન્સી હરેશભાઈ પણ ઉપસ્થિત રહી હતી. આ રક્ષાબંધન કાર્યક્રમ રાષ્ટ્રીય રાજધાનીની શૈક્ષણિક મુલાકાતનો પણ એક ભાગ હતો. તા. 27 ઓગસ્ટે વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન ખાતેના રક્ષાબંધન કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રપતિ ભવન અને અમૃત ઉદ્યાનની માર્ગદર્શિત મુલાકાત પણ લીધી હતી. વિદ્યાર્થીઓ રાયપિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત “ધ લાઇટ એન્ડ ધ લોટસ : રેલિક્સ ઓફ ધ અવેઇકન્ડ વન ” પ્રદર્શનની પણ મુલાકાત લેશે, જેમાં ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ શૈક્ષણિક પ્રવાસનું સમાપન તા. 29 ઓગસ્ટે નેશનલ સાયન્સ સેન્ટર, નેશનલ વૉર મેમોરિયલ અને ઈન્ડિયા ગેટની મુલાકાત સાથે થશે તેમ પી એમ મોડેલ સ્કૂલના આચાર્ય ડો પ્રકાશભાઈ રાઠોડે જણાવ્યું હતુ. પર્યાવરણનું સતત બગડતું સંતુલન ચિંતાજનક : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન માત્ર ભાઈ-બહેન અને પરિવારજનો કે મિત્રો વચ્ચેના પ્રેમ અને લાગણીનું પ્રતીક નથી, પરંતુ પ્રકૃતિ, વૃક્ષો અને વનસ્પતિ સાથેના આપણા સંબંધને પણ દર્શાવે છે. પર્યાવરણનું સતત બગડતું સંતુલન ચિંતાજનક હોવાનું જણાવતાં વિદ્યાર્થીઓને છોડ અને વૃક્ષોને રાખડી બાંધીને તેમના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
શામપરાની શાળાની ધો.9ની વિદ્યાર્થિની સહિત દેશના 122 પ્રતિભાગીઓ જોડાયા:રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષાબંધનની ઉજવણીમાં સામેલ થયેલી ભાવનગરની જેન્સી ડાંગર
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
