સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કૈલાશ સ્વીટ્સની કાજુકતરીમાંથી ફૂગ મળી આવતા ચકચાર મચી છે. મહિલા કોર્પોરેટર હીનાબેને તાત્કાલિક ફરિયાદ કરતાં પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળી આવતા પાલિકાએ કાર્યવાહી કરી હતી.
ફરિયાદ મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું
કાજુકતરીમાંથી ફૂગ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. તહેવારના દિવસોમાં મીઠાઈની માંગ વધતી હોય છે ત્યારે આવી ફરિયાદ સામે આવતા ખાદ્ય ચીજોની ગુણવત્તા અને જાળવણી સામે પણ સવાલો ઊભા થયા છે.
પાલિકાની સ્થળ તપાસ
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોના ભંગ બદલ કૈલાશ સ્વીટ્સને 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ અખાદ્ય મીઠાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
3 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
તપાસ દરમિયાન મળી આવેલો અંદાજે 3 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂગ લાગેલી કાજુકતરી ગ્રાહકો સુધી પહોંચી હોત તો તેમના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત.
તહેવાર ટાણે ફૂડ સેફ્ટીના નિયમો સામે સવાલ
તહેવારના દિવસોમાં સુરતની અનેક જાણીતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવી રહી છે. ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
મીઠાઈ ખરીદતા ગ્રાહકોએ પણ સાવચેત રહેવું જરૂરી
તહેવાર દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય સામગ્રીની ખરીદી કરતી વખતે ગ્રાહકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. મીઠાઈની ગુણવત્તા, તાજગી અને પેકિંગની તારીખ તપાસ્યા બાદ જ ખરીદી કરવી જોઈએ. બીજી તરફ આવા કિસ્સાઓ સામે સતત અને કડક તપાસ જરૂરી બની છે.
આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video
