BRTSમાં વગર ટિકિટના મુસાફરો પાસેથી ગાર્ડે પૈસા લીધા:પાંડેસરાનો વીડિયો વાયરલ, જાહેર પરિવહન સમિતિના ચેરમેને કહ્યું-એજન્સી સામે પણ કડક પગલાં ભરીશું

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા BRTSના સંચાલનમાં ગેરરીતિ થઈ રહી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં કૈલાશ નગર BRTS બસ સ્ટોપ પર ફરજ બજાવતા સુરક્ષાકર્મી (વોચમેન) દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવાને બદલે તેમની પાસેથી સીધા રોકડા રૂપિયા પડાવી પોતાના ખિસ્સામાં મૂકી દેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સિક્યુરિટી ગાર્ડ ટિકિટ વગરના લોકો પાસેથી પૈસા લે છે
જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ વગર ટિકિટે આવેલા મુસાફરો પાસેથી પૈસા લે છે, તેને પોતાના ખિસ્સામાં મૂકે છે અને કોઈપણ સત્તાવાર રસીદ કે દંડની પ્રક્રિયા વિના મુસાફરોને સીધા જ બસ સ્ટોપની અંદર પ્રવેશવા દે છે. નિયમોનું ઉલ્લંઘન કરી પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડતી આ હરકત સામે આવતાં મુસાફરો અને સ્થાનિકોમાં ભારે રોષ છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેને તપાસનો આદેશ આપ્યો
આ વીડિયો વાયરલ થતાં જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેન મનીષ પટેલે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ વીડિયો ધ્યાને આવતાં જ તેમણે સંબંધિત અધિકારીઓ તેમજ સિક્યુરિટી એજન્સીને જાણ કરી તાકીદે રિપોર્ટ માંગ્યો હતો. ‘જવાબદાર એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે’
જો કે, સિક્યુરિટી એજન્સી દ્વારા હજુ સુધી આ ગેરરીતિ આચરનાર ગાર્ડ સામે શું પગલાં લેવાયા તેનો કોઈ ખુલાસો કે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો નથી. એજન્સીની આ નિષ્કાળજીને પગલે ચેરમેને કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, હવે માત્ર સંબંધિત કર્મચારી જ નહીં, પરંતુ જવાબદાર સિક્યુરિટી એજન્સી સામે પણ કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *