સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં આવેલા રામનગર સોસાયટી સામે બ્રિજ નીચે આજે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રિજ નીચે ફેંકવામાં આવેલા હોટ ફિક્સ ઉદ્યોગના કચરાના મોટા જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે દૂર દૂરથી બ્રિજ પોતે સળગી રહ્યો હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.
હીરાબાગ વિસ્તારમાં બ્રિજ નીચે ભીષણ આગ
આગના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગતાં આસપાસના રહીશો અને વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક લાઈવ બંબા અને વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ
આ ભયાનક આગમાં બ્રિજ નીચે બીનવારસી હાલતમાં પડેલી એક એક્ટિવા બળીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ઉપરાંત બ્રિજની આસપાસમાંથી પસાર થતું ઇલેક્ટ્રિક વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સમયસૂચકતાના કારણે અન્ય કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોટ ફિક્સના વેસ્ટ કચરાના કારણે આ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બને છે અને ફાયર વિભાગને દોડતા રહેવું પડે છે.
