સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા બહુચર્ચિત ચિટફંડ કૌભાંડ કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી દેબબ્રત દત્તાની ધરપકડ કરવામાં આવી છે.આરોપી વર્ષોથી પોલીસ અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને નાસતો ફરતો હતો. ઝડપાયેલો આરોપી દેબબ્રત દત્તા DNB Food Processing નામની કંપનીનો માલિક હતો. તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને એક મોટું અપરાધિક ષડયંત્ર રચ્યું હતું.
ચાર્જશીટ અને બિનજામીનપાત્ર વોરંટ
આરોપી સતત ભાગતો ફરતો હતો અને સીબીઆઈની તપાસમાં કોઈ પણ પ્રકારનો સહકાર આપતો ન હતો.આથી,26 ડિસેમ્બર 2022ના રોજ નોંધાયેલા કેસની ચાર્જશીટમાં તેને સત્તાવાર રીતે ભાગેડુજાહેર કરવામાં આવ્યો હતો.આ કેસ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ એક્ટ 1978 હેઠળ નોંધાયેલો છે.ત્યારબાદ 5 ઓગસ્ટ 2024ના રોજ અદાલત દ્વારા આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.આ કૌભાંડ હેઠળ તેણે નિર્દોષ અને ભોળા રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રકમ એકઠી કરી હતી.આરોપીએ રોકાણકારોના કુલ 17.22 કરોડની જંગી રકમની ઉચાપત કરી હેરાફેરી કરી હતી.
સિલીગુડીથી ધરપકડ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ
ચોક્કસ બાતમીદારો અને ગુપ્ત માહિતીના આધારે સીબીઆઈએ આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું.28 ઓગસ્ટ 2026ના રોજ પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઈ દ્વારા તેને સિલીગુડીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ભુવનેશ્વરની સક્ષમ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.
