West Bengal : ભારત-બાંગ્લાદેશ સરહદ પર લગભગ 25 કરોડનું સોનું જપ્ત, મહિલા તસ્કરની કરાઈ ધરપકડ

📅 Published: August 30, 2026 | 📂 Category: India National

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સોનાની દાણચોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે BSFની 32મી બટાલિયનના જવાનોએ બનપુર બોર્ડર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી એક મહિલાને અટકાયતમાં લીધી હતી.

મહિલા પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી 

BSFના જણાવ્યા મુજબ લાંબા સમયથી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. મહિલા પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી કુલ 15 કિલો 607 ગ્રામ સોનું મળી આવ્યું હતું. BSFએ જપ્ત કરાયેલા સોનાની અંદાજિત બજાર કિંમત ₹24 કરોડ 95 લાખ 56 હજાર હોવાનું જણાવ્યું છે.

સરહદ પર દાણચોરી રોકવા માટે સુરક્ષા અને દેખરેખ વધુ કડક બનાવી

સોનાની આટલી મોટી જપ્તી બાદ BSF અધિકારીઓ મહિલાની પૂછપરછ કરી રહ્યા છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય દાણચોરીના આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ક્યાં પહોંચાડવાનું હતું તે જાણવાનો છે. BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરી રોકવા માટે સુરક્ષા અને દેખરેખ વધુ કડક બનાવી છે. અધિકારીઓનું માનવું છે કે આ જપ્તીથી સોનાની દાણચોરી સાથે સંકળાયેલી મોટી અને સક્રિય ગેંગ અંગે મહત્વની માહિતી મળી શકે છે. પૂછપરછ બાદ આરોપી મહિલાને કૃષ્ણગંજ પોલીસને સોંપવામાં આવશે.

આ અગાઉ ઓગસ્ટની શરૂઆતમાં મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ પણ મોટી કાર્યવાહી કરી હતી. DRIની ટીમે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં એક શંકાસ્પદ મુસાફર પાસેથી ₹3.09 કરોડનું વિદેશી સોનું જપ્ત કર્યું હતું. તપાસમાં આ સોનું ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી દાણચોરી મારફતે દેશમાં લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. મુસાફર પાસેથી સોનાના 16 બિસ્કિટ મળી આવી હતી.

આ પણ વાંચો : Lucknow : રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું ‘આજે દુનિયા ભારતની વાત ધ્યાનથી સાંભળે છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *