Ahmedabad News: માંડલના નાનાઉભડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ, 10 હજાર વૃક્ષોનું વાવેતર

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાનાઉભડા ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિશેષ મુલાકાત લીધી હતી. નાનાઉભડા સીમ વિસ્તારમાં આવેલા વનકવચની અંદર 1 હેક્ટર જમીનમાં 10,000 જેટલાં વૃક્ષોનું વાવેતર રાજ્યપાલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે જાતે વૃક્ષારોપણ કરીને માનવ જીવનમાં પર્યાવરણ અને પ્રકૃતિના મહત્વ વિશે ગહન સમજ આપી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે પરિચય કેળવી ફોટોગ્રાફી પણ કરાવી હતી.

સફાઈ અભિયાન અને દલિત પરિવારના ઘરે ભોજન

પોતાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ દેવવ્રત નાનાઉભડા ગામમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા. તેમણે ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને તેઓને વિશેષ દરજ્જાનું સન્માન આપ્યું હતું. સાંજના સમયે ગ્રામજનો સાથે રાત્રી સભા યોજીને તેઓ દલિત પરિવારની શેરીમાં રહીશોને મળ્યા હતા. નગરમાં રહેતા સવિતાબેન સોમાભાઈ પરમારના પરિવારના ઘરે રાજ્યપાલે સાદગીપૂર્ણ રાત્રી ભોજન ગ્રહણ કરીને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

31 ઓગસ્ટે સવારે યોગાસન અને પશુપાલન કામગીરીમાં જોડાશે

રાજ્યપાલ પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ સવારે માંડલ ખાતે સ્થાનિકો સાથે યોગાસન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ સવારના સમયે પશુપાલનની પ્રત્યક્ષ કામગીરીમાં જોડાશે અને ગ્રામીણ જીવનશૈલી તથા પશુપાલકોના ઉત્સાહ વધારશે.

3 થી 4 હજાર ખેડૂતોની પ્રાકૃતિક શિબિરને કરશે સંબોધિત

પ્રવાસના અંતિમ ચરણમાં માંડલ સ્થિત કોટન જીન ખાતે એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પધારેલા આશરે 3 થી 4 હજાર જેટલા ખેડૂતોને રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને રાસાયણિક ખાતરો મુક્ત ખેતી કરવા અંગે વિશેષ માર્ગદર્શન અને સંબોધન આપશે.

આ પણ વાંચો – Ahmedabad News : ચિટફંડ કૌભાંડમાં ફરાર આરોપીની સિલીગુડીથી ધરપકડ, 17 કરોડથી વધુની ગેરરીતિનો આરોપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *