Surat: ફાઇવસ્ટાર મેરિયટ હોટેલની કૂકીઝમાંથી નીકળ્યા લાકડાના ટુકડા, વીડિયો બનાવતા સ્ટાફે રોકવાનો પ્રયાસ કર્યો

📅 Published: August 30, 2026 | 📂 Category: Surat

સુરત શહેરની અત્યંત જાણીતી અને પ્રતિષ્ઠિત ફાઇવસ્ટાર હોટેલ ‘મેરિયટ’ (Marriott) માં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ગંભીર ખિલવાડ થતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૯ ઓગસ્ટના રોજ મોડી રાત્રે મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ માટે આવેલા ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies) માંથી લાકડાના અણીદાર અને તીક્ષ્ણ ટુકડા નીકળ્યા હતા.

ફાઇવસ્ટાર હોટેલ મેરિયટમાં ખાણીપીણીમાં બેદરકારી

ગ્રાહકે જેવી કૂકીઝ મોંમાં મૂકી કે તુરંત જ આ અણીદાર લાકડાનો ટુકડો મોંની અંદર વાગ્યો હતો. સદનસીબે ગ્રાહકને સમયસર ખ્યાલ આવી જતાં મોટી શારીરિક ઈજા પહોંચતા રહી ગઈ હતી. ફાઇવસ્ટાર હોટેલની આવી પ્રાથમિક અને ભયાનક બેદરકારી જોઈને સ્થળ પર હાજર ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.ઘટના બાદ ગ્રાહકે આ અંગે હોટેલ મેનેજમેન્ટ સમક્ષ વિરોધ નોંધાવતા મેનેજમેન્ટે મોઢેથી પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, પરંતુ કેમેરા સામે કે લેખિતમાં કોઈ નિવેદન આપવાથી સ્પષ્ટ હાથ ઊંચા કરી દીધા હતા.

હોટેલ સ્ટાફે વીડિયો શૂટિંગ રોકવાનો પ્રયાસ કર્યો

એટલું જ નહીં, જ્યારે ગ્રાહકે આ સમગ્ર બેદરકારીનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હોટેલ સ્ટાફે ‘તમે અહીં વીડિયો ન બનાવી શકો’ તેમ કહી દાદાગીરી કરી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગ્રાહક દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આ અંગેની પુરાવા સાથે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોંઘીદાટ ફી વસૂલતી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી પ્રતિષ્ઠિત હોટેલ સામે કોઈપણ ભ્રષ્ટાચાર કે વગ વગર કડકમાં કડક કાયદેસરનાં પગલાં ભરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *