રાવપુરામાં કાર બળીને ખાખ:પાર્ક કરેલી કારમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળ્યા, સમયસર આગ કાબૂમાં આવતા મોટી જાનહાનિ ટળી

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક માહિતી કચેરી નજીક પાર્ક કરેલી એક બંધ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંધ કારમાંથી અચાનક ધુમાડા નીકળ્યા બાદ જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓ પ્રસરવા લાગી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેના પગલે ફાયર વિભાગના કાફલાએ તુરંત ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આગનો કોલ મળતાં જ સ્થાનિક ફાયર સ્ટેશનની ટીમ ફાયર ફાઈટર સાથે ગણતરીની મિનિટોમાં રાવપુરા સ્થિત ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને થોડા જ સમયમાં તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. સદનસીબે આગ લાગી તે સમયે કાર પાર્ક કરેલી હાલતમાં બંધ હતી અને તેમાં કોઈ વ્યક્તિ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, જોકે કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. આસપાસ પડેલા કચરાના કારણે આગ લાગ્યાની આશંકા
કારમાં અચાનક આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટના અંગે ફાયર ટીમના સરસૈનિક સલીમ શેખે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કારની આસપાસ કચરો પડેલો હોવાથી તેમાં લાગેલી આગ કાર સુધી પ્રસરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *