સુરત શહેર પોલીસે અસામાજિક તત્વો અને ગુનાખોરી સામે લાલ આંખ કરીને ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં સફળ કાર્યવાહી પાર પાડી છે. શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ સારોલી પોલીસ, ઝોન-7 LCB અને સચિન પોલીસ સ્ટેશનની ટીમોએ સપાટો બોલાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દલાલ, પ્રોહિબિશન કેસમાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ લિસ્ટેડ ગુનેગાર તેમજ જાહેર માર્ગ પર જુગાર રમતા 11 શખ્સો સહિત મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી લેવામાં સુરત પોલીસને મોટી સફળતા સાંપડી છે. કાપડ વેપારી સાથે 4.38 લાખની છેતરપિંડી કેસમાં દલાલની ધરપકડ
સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવઠીયા ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર યોગેશભાઇ કાવઠીયા પાસેથી શિવ કૃપા સિલ્ક મિલ્સના સંચાલકો અને દલાલ બજરંગી મિશ્રાએ મળીને કુલ 7,60,712નો ગ્રે કાપડનો મોટો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ માત્ર અંશતઃ રકમ ચૂકવી બાકીના 4,38,342ની રકમ ચૂકવ્યા વગર દુકાનનું શટર પાડી ઉઠામણું કરી દેવાયું હતું. સારોલી પોલીસે બાતમી અને ટેક્નિકલ વર્કઆઉટના આધારે મુખ્ય દલાલ આરોપી બજરંગી જગદીશ મિશ્રાને ગોડાદરા વિસ્તારમાંથી દબોચી લીધો છે, જ્યારે તેની સાથે સંડોવાયેલા અન્ય બે ભાગીદાર આરોપીઓ વસંતકુમાર પટેલ અને સાહિલ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ડૂમસ પ્રોહિબિશન કેસમાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી પુણેથી ઝડપાયો
રાજ્યવ્યાપી વોન્ટેડ આરોપીઓને પકડવાની વિશેષ ડ્રાઇવ અંતર્ગત ઝોન-7 LCB ટીમે આંતરરાજ્ય ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. ડૂમસ તેમજ વલસાડના ડુંગરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018થી પ્રોહિબિશનના ગંભીર ગુનામાં કલમ 70 મુજબના વોરંટ હેઠળ છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી આકાશ ઉર્ફે અશોક ઉર્ફે અમન અવિનાશ વાઘને ઝડપી લેવાયો છે. LCBની ટીમે સતત ત્રણ દિવસ સુધી ગુપ્ત વોચ ગોઠવીને મહારાષ્ટ્રના પુણે ગ્રામીણ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યાં તે એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. સચિન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા
શ્રાવણ માસ અને આગામી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને દારૂ અને જુગારની બદી ડામવા માટે સચિન પોલીસે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સચિન પારડી શિવનગર ખાતે ખુલ્લામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા દિપક કોગે, રાજેશ નાગરે સહિત કુલ 11 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા 18,410 તેમજ 7 નંગ મોબાઈલ ફોન મળી કુલ 53,410નો મુદ્દામાલ કબ્જે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સુરત LCBએ પુણેમાં ઓપરેશન પાર પાડ્યું:કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર દલાલ, 8 વર્ષથી વોન્ટેડ બૂટલેગર અને સચિનમાંથી 11 જુગારીઓ ઝડપાયા
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
