Mumbai : બાંદ્રામાં મહિલાએ કારથી 9 વર્ષના બાળકને મારી ટક્કર, ઘટનાસ્થળ પર જ થયું મોત

📅 Published: August 30, 2026 | 📂 Category: India National

માયાનગરી મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ફૂલ સ્પીડે આવી રહેલી લક્ઝરી કારની ટક્કરથી 9 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સ્થાનિકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી

મળતી માહિતી મુજબ, અકસ્માત બાંદ્રાના વ્યસ્ત રસ્તા પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટોયોટા ઈનોવા હાઇક્રોસ કાર એક મહિલા ચલાવી રહી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાળકને ગંભીર ઈજા પહોંચી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ બાંદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પોલીસે મહિલા ડ્રાઈવરને કસ્ટડીમાં લીધી

પોલીસે અકસ્માતમાં સામેલ મહિલા ડ્રાઈવરને કસ્ટડીમાં લીધી છે. સાથે જ જે વાહનથી અકસ્માત થયો તેને પણ પોલીસે પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતક બાળકના મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. હાલ પોલીસ મહિલા ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.

પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

પોલીસ એ પણ તપાસી રહી છે કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી અને ડ્રાઈવરનું ધ્યાન ભટક્યું હતું કે કેમ. ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં બાળકના મોતથી તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,’મેડ ઈન ચાઈના’ કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *