Surat News : મોંઘીદાટ મેરિયટ હોટેલ સામે ગ્રાહકનો આક્રોશ, કૂકીઝમાંથી લાકડું નીકળતાં SMC ના ફૂડ વિભાગમાં કરી ફરિયાદ

📅 Published: August 30, 2026 | 📂 Category: Surat

સુરત શહેરની અત્યંત જાણીતી અને પ્રતિષ્ઠિત મેરિયટ (Marriott) હોટેલમાંથી ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. 29 ઓગસ્ટની મોડી રાત્રે મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં આવેલા એક ગ્રાહક સાથે આ ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies)માંથી અચાનક લાકડાના અણીદાર ટુકડા નીકળ્યા હતા. ગ્રાહકે જેવી કૂકીઝ મોંમાં મૂકી કે તુરંત આ તીક્ષ્ણ લાકડાનો ટુકડો મોંમાં વાગ્યો હતો, જોકે સદનસીબે ગ્રાહકને મોટી અને ગંભીર ઈજા થતાં-થતાં રહી ગઈ હતી.

હોટેલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી પણ નિવેદન આપવાથી હાથ ઊંચા કર્યા

આટલી મોટી અને મોંઘી હોટેલમાં પીરસવામાં આવતા ખોરાકમાં આવી ઘોર બેદરકારી સામે આવતાં ગ્રાહકે તુરંત હોટેલ સંચાલકો સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોટેલ મેનેજમેન્ટે ગ્રાહક સમક્ષ પોતાની ભૂલ તો સ્વીકારી લીધી હતી, પરંતુ જ્યારે કેમેરા સામે નિવેદન આપવાની કે લેખિતમાં પોતાની ભૂલનો અસ્વીકાર-સ્વીકાર કરવાની વાત આવી ત્યારે તેમણે સ્પષ્ટપણે હાથ ઊંચા કરી દીધા હતા. મેનેજમેન્ટના આ પ્રકારના બિનજવાબદાર વલણને કારણે ગ્રાહકના આક્રોશમાં વધુ ઉમેરો થયો હતો.

SMC ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ, કડક કાર્યવાહીની માંગ

હોટેલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે લેખિત ખુલાસો ન અપાતાં, પીડિત ગ્રાહક દ્વારા આ સમગ્ર ગંભીર મામલે સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લેખિતમાં આધાર-પુરાવા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 5-સ્ટાર કે પ્રતિષ્ઠિત હોટેલો દ્વારા પણ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરી, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર કે દબાણ વિના આવી હોટેલ સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar News : બિરજુ બારોટ અને ઉર્વશી રાદડિયા જમાવશે ડાયરાની રમઝટ, રાંધણ છઠ્ઠના દિવસથી મેળાનો પ્રારંભ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *