સુરતમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાં:સગીરા પર અવારનવાર દુષ્કર્મ અને લગ્નની લાલચ આપી શોષણના 3 ગુના નોંધાયા

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના લિંબાયત, કતારગામ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઈ છેડતી કરવાનો પ્રયાસ, સગીરા સાથે મિત્રતાના નામે દુષ્કર્મ તેમજ ભગવાનની સાક્ષીએ નકલી લગ્ન કરી યુવતી સાથે છેતરપિંડી અને શારીરિક શોષણ આચરવાના બનાવો બન્યા છે. આ ત્રણેય મામલે સ્થાનિક પોલીસ મથકોમાં પોક્સો અને BNSની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં ઘર બહાર રમતી 5 વર્ષની બાળકીની છેડતીનો પ્રયાસ
લિંબાયત વિસ્તારમાં ઘર બહાર નિર્દોષ ભાવે રમી રહેલી સાડા 5 વર્ષની બાળકીનું ઈરફાન નાડી નામના શખ્સે મોં દબાવીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી માસૂમ બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને જો કોઈને કહીશ તો ખાડીમાં ફેંકી દેવાની ધમકી આપી અડપલાં કરવા લાગ્યો હતો. જોકે, બાળકીએ સમયસૂચકતા વાપરી જોરજોરથી બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ મામલે લિંબાયત પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. કતારગામમાં સગીરા સાથે મિત્રતા કેળવી સાહીલ શેખે દુષ્કર્મ આચર્યું
બીજા બનાવમાં કતારગામ વિસ્તારમાં રહેતી સગીરા સાથે રાંદેરના સાહીલ શેખ નામના યુવકે મિત્રતા કેળવી હતી. આરોપી સગીરાને પોતાના મિત્રના બંધ મકાનમાં લઈ ગયો હતો અને ભોગ બનનાર કિશોરી સગીર હોવાની સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. આખરે ત્રાસથી કંટાળેલી સગીરાએ હિંમત દાખવી પરિવારને આપવીતી જણાવતાં કતારગામ પોલીસ મથકે પોક્સો અને BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમરોલીમાં મંગળસૂત્ર પહેરાવી પત્ની બનાવી બાદમાં લગ્નનો ઇનકાર કર્યો
ત્રીજા કિસ્સામાં અમરોલી ખાતે રહેતી યુવતીને કોસમાડા ગામના મનીષ સોજીત્રા નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. આરોપીએ યુવતીના ઘરના મંદિરમાં ભગવાનની સાક્ષીએ મંગળસૂત્ર પહેરાવી અને સિંદૂર પૂરી તેને પોતાની પત્ની તરીકે રાખી હતી તેમજ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ યુવતીએ વિધિવત લગ્ન કરવાની વાત કરતાં આરોપીએ સાથ છોડી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે અમરોલી પોલીસે BNS કલમ 69 હેઠળ છેતરપિંડી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *