બિલપાવર લોન કૌભાંડમાં EDના મુંબઈ-વડોદરામાં દરોડા:12.20 કરોડની જ્વેલરી અને 43.90 લાખ રોકડ જપ્ત, SBIને 160.55 કરોડનો ચૂનો ચોપડવાનો મામલો

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

SBI સાથે થયેલા કરોડો રૂપિયાના લોન ફ્રોડ કેસમાં EDની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા બિલપાવર લિમિટેડ કંપની વિરુદ્ધ સપાટો બોલાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કંપની અને તેના સંચાલકો સાથે સંકળાયેલા મુંબઈ અને વડોદરાના 7 રહેણાંક તેમજ કોમર્શિયલ સ્થળો મળી કુલ 10 પ્રિમાઇસીસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDએ 43.90 લાખની રોકડ રકમ અને 12.20 કરોડના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે, જ્યારે 2 બેંક ખાતા ફ્રીઝ કરી 3 બેંક લોકર પણ સીલ કરી દીધા છે. CBIની FIR અને ચાર્જશીટના આધારે EDની તપાસ
આ સમગ્ર મામલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) નવી દિલ્હી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ CBI દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ બિલપાવર લિમિટેડ, તેના ડિરેક્ટરો અને સહયોગી કંપનીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ અને ગુનાહિત કાવતરાના આધારે ED એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કંપનીની આર્થિક ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. બોગસ કંપનીઓ મારફતે 160.55 કરોડનું બેંક ફ્રોડ આચર્યું
ED ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોર ઉત્પાદન સાથે સંકળાયેલી બિલપાવર લિમિટેડે SBI પાસેથી વિવિધ પ્રકારની જંગી લોન અને ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી. જોકે કંપની દ્વારા આ લોનની રકમ નિયત વ્યવસાયમાં વાપરવાના બદલે અન્યત્ર ડાયવર્ટ કરી કંપનીના ચોપડે ગેરરીતિ આચરવામાં આવી હતી, જેના કારણે બેંકને અંદાજે રૂ. 160.55 કરોડનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. કંપનીનું આ લોન ખાતું 18 એપ્રિલ, 2012ના રોજ એનપીએ (NPA) જાહેર થયું હતું. લેટર ઓફ ક્રેડિટ અને શેલ કંપનીઓનું નેટવર્ક ખૂલ્યું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોનના નાણાંનું રાઉન્ડ-ટ્રિપિંગ અને ડાયવર્ઝન કરવા માટે કેટલીક બોગસ અને શેલ કંપનીઓનું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડિટ (LC) મેળવવા માટે શંકાસ્પદ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ ગેરકાયદે આર્થિક વ્યવહારોનું સંચાલન રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેશકુમાર ચૌધરી અને નરેશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવતું હતું અને રકમ તેમના મળતિયાઓની સંસ્થાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. સર્ચ દરમિયાન મિલકતો, જમીન, મશીનરીના દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણો કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *