Anand News : ખંભાતના ખડઉમાં ગમખ્વાર દુર્ઘટના, તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની 3 માસૂમ બાળકીઓના મોત

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા ખડઉ સીમ વિસ્તારમાં એક અતિ હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ માસૂમ પુત્રીઓ – પ્રિયા (13 વર્ષ), ઈશા (11 વર્ષ) અને રીના (8 વર્ષ) શૌચક્રિયા અર્થે સીમમાં આવેલા તળાવ કિનારે ગઈ હતી. આ દરમિયાન કોઈ કારણોસર ત્રણેય બાળકીઓ તળાવના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. એકસાથે પરિવારની ત્રણ-ત્રણ વ્હાલસોયી દીકરીઓ કાળનો કોળિયો બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

યુવકે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી

બાળકીઓ મોડે સુધી ઘરે ન પરત ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ બે કલાક સુધી સીમ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તળાવ કિનારે કાગળની હોડીઓ જોવા મળતાં પરિવારજનોને બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ હોવાની પ્રબળ શંકા ગઈ હતી. આથી એક સ્થાનિક યુવકે તુરંત તળાવના પાણીમાં ઉતરીને તપાસ કરતાં ત્રણેય બાળકીઓ મળી આવી હતી. 108 મારફતે તેમને ત્વરિત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ ચકાસણી બાદ ત્રણેય સગી બહેનોને મૃત જાહેર કરી હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ગરીબ ખેતમજૂર પિતાએ એક જ ક્ષણમાં પોતાની ત્રણેય દીકરીઓને ગુમાવી દેતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતની નોંધ કરી આગળની વિધિવત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે એક જ પરિવારની ત્રણ દીકરીઓના અકાળે અવસાનથી ખંભાત પંથક સહિત સમગ્ર આણંદ જિલ્લામાં શૌકની ગંભીર કાલિમા છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : Rajkot News : જેતપુરમાં સિંહની લટારથી ફફડાટ, રસ્તા પર આરામ કરતો સિંહ કેમેરામાં કેદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *