Ahmedabad: ખોખરા સરકારી હોસ્પિટલની દીવાલ પાસે કચરાના ઢગલાથી અસહ્ય દુર્ગંધ

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખોખરા સ્થિત સરકારી રૂક્ષ્મણીબેન હોસ્પિટલની કંપાઉન્ડ વોલ પાસે જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ્ તંત્ર સ્વચ્છ ભારત અભિયાનના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ્ જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે તે હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારની નજીક જ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે.

રૂક્ષ્મણીબેન હોસ્પિટલની બહારની ફૂટપાથ અને દીવાલને અડીને કચરાથી ભરેલા ગ્રીન ડસ્ટબિન અને કચરાગાડી લાંબા સમયથી પડી રહેલી જોવા મળે છે. કચરાના આ ખુલ્લા ઢગલામાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે હોસ્પિટલ આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંદકીના કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે પોતે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ગંદકી તે જ હોસ્પિટલની દીવાલ પાસે છે જેની અંદર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પાસે આ પ્રકારે ગંદકીનું સામ્રાજ્ય તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે. કચરામાંથી આવતી દુર્ગંધ અને તેના પર ભમતા જંતુઓ હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓના સ્વાસ્થ્ય માટે વધુ ખતરો પેદા કરી શકે છે.

સ્થાનિકોનું કહેવું છે કે અહીં કચરો અવારનવાર એકઠો થાય છે, અને તેને સમયસર ઉપાડવામાં આવતો નથી. કચરાગાડીઓ પણ અહીં જ પાર્ક કરવામાં આવતા આ સ્થળ હવે ગંદકીનું કાયમી ઠેકાણું બની ગયું છે. લોકોએ આ અંગે વહીવટી તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *