પ્રગતિશીલ ખેડૂત:રાસાયણિક ખેતી છોડી હળદર વાવી, વીઘે 1 લાખ સુધી કમાણી

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

રાસાયણિક દવાઓના છંટકાવથી પાકોમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધવાની સાથે ખર્ચ પણ વધતો હતો, અને ઉત્પાદન પણ ઓછું થતું હોવાથી બચત થતી ન હતી. જેથી જામનગર તાલુકાના દડીયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદાએ સોશિયલ મિડીયાના માધ્યમથી અને પોતાની આગવી આવડતથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમાં પણ હળદરની ખેતી કરવાથી એકી સાથે બે-બે પાક લઈ શકતા હોવાથી તેઓ દર વર્ષે હળદરની ખેતીમાં વધારો કરી આવક પણ વધુ મેળવી. આ બધું કેવી રીતે શક્ય બનાવ્યું તેની સઘળી વિગતો તેમના જ શબ્દોમાં…. મારા બાપ-દાદા પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન ઘટતા અને ખર્ચ વધતા બચત થતી ન હતી. આ દરમિયાન ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો, અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગાય આધારિત (પ્રાકૃતિક) ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2019થી 19 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી. જેમાં અનેક પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં છેલ્લા ચાર વર્ષથી હળદરની ખેતી શરૂ કરી છે. જેમાં પ્રથમ વર્ષે 1 વીઘામાં ખેતી શરૂ કરીને હાલ 5 વીઘામાં ખેતી કરું છું. હળદરની ખેતીમાં લીલી હળદર 80 થી 100 મણ સુધીનું ઉત્પાદન થાય છે. તેનો પાવડર બનાવવામાં આવે તો 17 થી 18 મણ તૈયાર થાય છે. જેથી આવકમાં વધારો થાય છે. વીઘે સરેરાશ 80 હજારથી રુ. 1 લાખ સુધીની આવક થાય છે. હળદરની ખેતીમાં વધારે અંતર રાખવામાં આવતું હોવાથી વચ્ચે અન્ય પાકનું વાવેતર કરીને પાક લેવામાં આવે છે. હળદરનો પાક (પાવડર) તૈયાર કરવામાં 9 માસ જેટલો સમય લાગે છે
હળદરનું જૂન – જુલાઈ માસમાં વાવેતર કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં હળદરનો પાક તૈયાર થયા બાદ જમીનમાંથી કાઢી ચીપ્સ અને બોઈલીંગ પધ્ધતિથી પાવડર બનાવવામાં આવે છે. બોઈલીંગ પધ્ધતિ થોડી લાંબી હોય છે અને મહેનતવાળી હોય છે. હળદરના સુકવ્યા પછી બાફીને ફરી સૂકવવામાં આવ્યા છે. પરંતુ તે હળદર સ્વાદમાં અતિ સ્વાદિષ્ટ હોય છે. જેથી બજારમાં તેની વધુ માંગ રહે છે. હળદરના પાકમાં રોગમાં માત્ર ફુગ, 10 પર્ણિયનો છંટકાવ
હળદરના પાકમાં માત્ર ફુગનો રોગ આવે છે. જેથી ફુગ આવે તો તેમાં ગૌમુત્ર અને ખાટી છાશ અને 10 પર્ણિયનું મિશ્રણ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. જે ફુગનો રોગ આવે તો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે અન્ય કોઈ રોગ આવતા નથી. તેમજ 10 પર્ણિય જંતુનાશક દવાનો તમામ ઓર્ગેનિક પાકોમાં છંટકાવ કરવામાં આવે છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગતો : 98248 90489
(સમીર ગડકરી – જામનગર સાથેની વાતચીતના આધારે)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *