25થી વધુ ગામોના લોકો આજે રેલી કાઢી કલેક્ટરને પાઠવશે આવેદનપત્ર‎:ડાંગના સીતાવનમાં મૂર્તિ ખંડિત ઘટનામાં ધારાસભ્યે તાત્કાલિક તપાસની સૂચના આપી

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન સીતાવનમાં સીતામાતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ અજાણ્યા તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. આ ધાર્મિક આસ્થા પરના પ્રહારને પગલે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્રને બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તેમજ નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. ઘટનાના વિરોધમાં અને અસામાજિક તત્ત્વો સામે આકરા પગલાં ભરવાની માંગ સાથે ગારખડી ગામના હનુમાન મંદિરમાં પૂર્વ પટ્ટી વિસ્તારના 20થી 25 ગામોના આદિવાસી અગ્રણીઓ અને ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે આગામી 31 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 10 કલાકે સમગ્ર ડાંગ જિલ્લાનો આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈ ડાંગ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર પાઠવશે. આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે ગેરરાજકીય છે. કોઈપણ ધાર્મિક કે જ્ઞાતિગત ભેદભાવ વગર માત્ર આદિવાસી સમાજની એકતાના ભાવ સાથે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે રેલી કાઢવામાં આવશે. સમાજની મૂર્તિઓ ખંડિત કરવાની અમાનવીય ઘટનાની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દોષિત તત્ત્વો સામે ગુનો નોંધી તેમની વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી થાય, સીતાવન જેવા ધાર્મિક અને પ્રાકૃતિક આસ્થાના સ્થળે કાયમી યોગ્ય સુરક્ષા પુરી પાડવામાં આવે, ખંડિત થયેલી મૂર્તિઓનું ધાર્મિક વિધિ-વિધાન મુજબ પુનઃસ્થાપન કરવામાં આવે, ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર નક્કર પગલાં ભરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *