Sugar Shortage : તહેવારો ટાણે ખાંડની અછતનો ભય, 10 લાખથી વધુ પરિવારોને સરકારી ખાંડ નહીં મળે?

📅 Published: August 31, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં તહેવારોની શરૂઆત વચ્ચે જ સરકારી વિતરણ વ્યવસ્થામાં ખાંડને લઈને મોટી ગૂંચવણ ઊભી થઈ છે. સસ્તા અનાજની દુકાનો પર સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઇસ્યુ ન થતાં લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખાંડ ક્યારે આવશે તેની પણ હાલ કોઈ સ્પષ્ટતા ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધી છે.

સરકારી પોર્ટલ પરથી ખાંડની પરમિટ ગાયબ

સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે સરકારી પોર્ટલ પરથી સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ ગાયબ હોવાનું સામે આવ્યું છે. પરિણામે દુકાનદારો ખાંડનો જથ્થો ઉપાડી શકે તેવી પ્રક્રિયા આગળ વધી રહી નથી. તહેવારોના દિવસોમાં જ આ સમસ્યા સર્જાતા સમગ્ર વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

850થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં

રાજ્યમાં 850થી વધુ સસ્તા અનાજની દુકાનના દુકાનદારો આ સમસ્યાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સપ્ટેમ્બરની ખાંડના ચલણ જનરેટ ન થતાં દુકાનદારો માટે ખાંડ મેળવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. હવે જથ્થો ક્યારે ફાળવાશે અને પરમિટ ક્યારે ઇસ્યુ થશે તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.


10 લાખથી વધુ પરિવારો પર અસરની ભીતિ

આ સ્થિતિ યથાવત રહે તો શહેર સહિત રાજ્યના અંદાજે 10 લાખથી વધુ પરિવારોને સરકારી વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ખાંડની માંગ વધતી હોવાથી સમયસર પુરવઠો નહીં મળે તો ગરીબ પરિવારોના તહેવારો ફિક્કા પડી શકે છે.

તહેવારો શરૂ, ખાંડ ક્યાં?

આજથી તહેવારોનો માહોલ શરૂ થયો છે, ત્યારે સરકારી ખાંડના પુરવઠા અંગે સ્પષ્ટતા નહીં હોવાને કારણે લાભાર્થી પરિવારોમાં ચિંતા છે. સવાલ એ છે કે તહેવારો પહેલા ખાંડનો જથ્થો પહોંચશે કે પછી લાખો પરિવારોને બજારમાંથી મોંઘી ખાંડ ખરીદવાની ફરજ પડશે? તંત્ર હવે આ મુદ્દે ક્યારે સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.  
આ પણ વાંચો :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *