ગાંધીનગરના સેક્ટર-5/બી ખાતે 30 ઓગસ્ટે સાંજે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમદાવાદ પિયરથી હરખભેર ઘર આંગણે પહોંચેલા પરિવારમાં ક્ષણવારમાં માતમ છવાઈ ગયો હતો. ઉબેર કેબ ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્વક હંકારીને અડફેટે લેતા 1 વર્ષ અને 9 માસના માસુમનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નિપજ્યું છે. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી ફરાર ગાડી ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અમદાવાદ પિયરથી ગાંધીનગર જવા ઉબેર બુક કરી હતી
સેક્ટર-5/બી, પ્લોટ નંબર 618/1માં રહેતા અને મકાન લે-વેચનો વેપાર કરતા એઝાઝ અનવરભાઈ અજમેરીના પત્ની મેહજબીન પોતાની 8 વર્ષની પુત્રી ઈનાયા અને 1 વર્ષ 9 માસના પુત્ર અરહાન સાથે અમદાવાદ જુહાપુરા સ્થિત પિયરેથી પરત ગાંધીનગર આવી રહ્યા હતા. તેમની બહેને બપોરે અમદાવાદથી ગાંધીનગર આવવા ઉબેર મારફતે મારુતિ સુઝુકી ગાડી (નંબર GJ 27 TF 9254) બુક કરી આપી હતી. પુત્ર અરહાનને ઉતારી માતા સામાન ઉતારતી હતી
બાદમાં સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં ઉબેર ટેક્સી ગાંધીનગર સ્થિત તેમના ઘર આંગણે આવી પહોંચી હતી. ગાડીમાંથી ઉતરીને મેહજબીનબેને સૌપ્રથમ નાના પુત્ર અરહાનને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ તે પુત્રી સાથે ગાડીમાંથી સામાન ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન ઉબેર ગાડીના ચાલકે કોઈ પણ જાતની સંભાળ રાખ્યા વિના અચાનક ગાડી ગફલત ભરી રીતે આગળ ધપાવી હતી. ડ્રાઈવરે ગાડી અરહાન પર ચડાવી દીધી
જેના લીધે ગાડીના આગળના ડાબી બાજુના ભાગે માસુમ અરહાન અડફેટે આવી ગયો હતો. બાળક અડફેટે આવતા જ મેહજબીનબેને બુમાબુમ કરી મૂકી હતી. જેથી ઘરમાંથી એઝાઝભાઈ તથા પરિવારના અન્ય સભ્ય દોડી આવ્યા હતા. લોકોએ ગાડી રોકવા બૂમો પાડી હોવા છતાં ડ્રાઈવર પોતાની ટેક્સી લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સારવાર સમયે માસુમના મોતથી પરિવારમાં શોક
આ અકસ્માતમાં અરહાનને માથાના તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માથામાંથી પુષ્કળ લોહી વહેવાનું શરૂ થઈ ગયું હતું. બાદમાં લોહીલુહાણ હાલતમાં માસુમ બાળકને તાત્કાલિક પડોશી મંથનભાઈની કારમાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈમરજન્સી વૉર્ડના ફરજ પરના તબીબોએ બાળકની સઘન સારવાર શરૂ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન માસૂમનું મોત નિપજ્યું હતુ. આ બનાવથી અજમેરી પરિવારમા શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે પિતા એઝાઝભાઈ અજમેરીએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં PSI મનીષ મકવાણાએ ફરાર ચાલકની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.
માતાની નજર સામે ઉબેર કાર ચાલકે પુત્રને કચડ્યો:સારવાર સમયે માસુમનું મોત, સેકટર 5માં અજમેરી પરિવારમાં માતમ; ફરાર ચાલક સામે પિતાએ ફરિયાદ નોંધાવી
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
