50% ઉત્પન્ન વીજળી વેડફાતી હોવાની DGVCLમાં MSME ઉદ્યોગકારોની રજૂઆત:કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સમાં અનિયમિત કર્ટેઇલમેન્ટથી ઉદ્યોગકારો પરેશાન

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

સુરતના MSME ઉદ્યોગકારો દ્વારા સ્થાપિત કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સમાં વારંવાર કરવામાં આવતા અનિયમિત પાવર કર્ટેઇલમેન્ટના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ કરોડો રૂપિયાનું રોકાણ કરવા છતાં ઉત્પાદિત વીજળી કાપી લેવામાં આવતી હોવાથી રોષે ભરાયેલા લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો અને MSME ઉદ્યોગકારો કાપોદ્રા સ્થિત DGVCL કચેરીએ પહોંચ્યા હતા. ઉદ્યોગકારોએ કોઈપણ જાતના કર્ટેઇલમેન્ટ વગર સોલાર જનરેશન પૂર્ણપણે ગ્રીડમાં લેવાય અને નીતિ વિષયક અડચણો દૂર કરી તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે. ઉત્પાદન છતાં 60% સુધી વીજળી વેસ્ટ થવાનો આક્ષેપ
ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર સોલાર કેપ્ટિવ પ્લાન્ટમાં જેટલી પણ વીજળીનું ઉત્પાદન થાય છે, તેમાંથી 30%, 40% અને ઘણીવાર 60% સુધી ઉત્પાદન કાપી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રોજના 100 યુનિટનું ઉત્પાદન થતું હોય તો તંત્રએ 50 યુનિટ જેટલી જનરેશન અટકાવી દે છે, જેના કારણે દિવસ દરમિયાન ઉત્પાદિત રિન્યુએબલ એનર્જીનો મોટો હિસ્સો સદંતર વેડફાઈ રહ્યો છે. આ ગંભીર બેદરકારીને લીધે ઉદ્યોગોને મોટો નાણાકીય ફટકો પડવાની સાથે પર્યાવરણના હિતને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે. ‘ગ્રીન એનર્જી તરફ વળ્યા પણ પોઝિટિવ ઇમ્પેક્ટ ન મળ્યો’
ઉદ્યોગકાર બ્રિજેશ વિઠાણીએ જણાવ્યું હતું કે, અમારે કોઈપણ જાતનું કર્ટેઇલમેન્ટ જોતું નથી. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને અમે પ્રધાનમંત્રીના ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીના વિઝન તરફ વળ્યા છીએ, જેનો પોઝિટિવ ઇમ્પેક્ટ મળવાને બદલે નેગેટિવ ઇમ્પેક્ટ આવી રહ્યો છે. અમે પ્લાન્ટ 5 વર્ષમાં ફ્રી થવાની ગણતરી કરી હતી, પરંતુ આ સ્થિતિમાં 10 વર્ષે પણ ફ્રી થાય તેમ નથી. પોલિસી મેકિંગમાં તંત્રની બેદરકારીને લીધે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અને હેરાનગતિ વધી ગઈ છે. DGVCLના MD સમક્ષ નીતિગત સુધારાની માગ
લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળે DGVCLના MD સમક્ષ વિસ્તૃત આવેદનપત્ર આપી જણાવ્યું કે, જો સરકાર એક તરફ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપી રહી હોય તો બીજી તરફ તંત્રની આવી આડખીલીઓથી ઉદ્યોગોનું મનોબળ તૂટી રહ્યું છે. જો સમયસર પાવર કર્ટેઇલમેન્ટની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો સમગ્ર સૌર ઉર્જા પ્રોજેક્ટ્સની આર્થિક વ્યવહારિકતા જોખમાશે. ઉદ્યોગકારોએ વહેલી તકે ટેકનિકલ સુધારા કરી સોલાર પાવર પૂરેપૂરો સ્વીકારવાની સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની ખાતરી માગી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *