વડોદરા શહેરમાં મકરપુરામાં લાકડાના વેપાર સાથે સંકળાયેલા 37 વર્ષીય વેપારીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી સાયબર ઠગોએ રૂ.18.87 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઠગોએ પોતે એક્સિસ બેંક, મુંબઈના કર્મચારી સીતારામ સૈની હોવાની ઓળખ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા વેપારીના ફોન પર તા.31 જુલાઈના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઓફર આપી હતી. ત્યારબાદ વોટ્સએપ પર એક લિંક મોકલી રૂ.4,500 કેશબેકની ઓફર હોવાનું જણાવી લિંક ખોલાવી હતી. વેપારીએ લિંક મારફતે બેંકની વિગતો ભરી હતી. બીજા દિવસે ઠગે વેપારીને ફોન કરી રૂ.2 લાખ સુધીની ક્રેડિટ લિમિટ વધારી આપવાની વાત કરી હતી. આ માટે ડેબિટ કાર્ડની વિગતો તથા OTP માંગતા વેપારીએ વિશ્વાસમાં આવી માહિતી આપી દીધી હતી. બાદમાં બેંક ખાતું બ્લોક થયું હોવાનું જણાવી કથિત કસ્ટમર કેર નંબર પર ફોન કરાવ્યો હતો અને વધુ માહિતી મેળવી હતી.
તા.3 ઓગસ્ટે વેપારીએ બેંક એપમાં તપાસ કરતાં રૂ.3 લાખનું અજાણ્યું ટ્રાન્ઝેક્શન થયેલું હોવાનું જણાયું હતું. ત્યારબાદ તપાસ કરતાં તા.1થી 6 ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.18.87 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વેપારીની બે FD પણ તેની જાણ બહાર તોડવામાં આવી હતી અને ઠગોએ અલગ-અલગ ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાના અહેસાસ થતાં વેપારીએ બેંકને જાણ કરી તમામ ખાતા અને ડેબિટ કાર્ડ બ્લોક કરાવ્યા હતા. વારંવાર ફોન કરવા છતાં ફોન પણ બંધ આવતો હોય વેપારી દ્વારા તા.7 ઓગસ્ટે 1930 સાયબર હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરવામાં આવી હતી. વેપારીએ સાયબર છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરો, વોટ્સએપ એકાઉન્ટ, શંકાસ્પદ લિંક, બેંક ખાતાઓ અને સંકળાયેલા તમામ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં વેપારી સાથે સાયબર ઠગાઈ:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને 18.87 લાખ રૂપિયા પડાવ્યા, બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યા બાદ OTP મેળવી ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
