Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ પોલીસ પર લાગેલા જમીન દલાલીના ગંભીર આક્ષેપોના મામલે હવે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. વિવાદિત PSI ગળચર વિરુદ્ધ અત્યાર સુધીમાં જમીન દલાલીના આક્ષેપો સાથે કુલ 4 પરિવારો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગેસાણીયા પરિવારે PSI ગળચર પર ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

અરજીના બહાને બોલાવી ધાકધમકીનો આક્ષેપ

પીડિત પરિવારના જણાવ્યા મુજબ અરજીના બહાને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ PSI ગળચર દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતોએ એવો પણ દાવો કર્યો છે કે ગળચરના મળતિયાઓ દ્વારા પણ તેમને વારંવાર ધમકાવવામાં આવતા હતા.

8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો દાવો

અગેસાણીયા પરિવારે PSI ગળચર પર કુલ 6 એકર જમીનના મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતોના દાવા મુજબ 6 એકરમાંથી 4 એકર જમીન પરત આપવામાં આવી હતી, પરંતુ અંદાજે 8 કરોડની કિંમત ધરાવતી 2 એકર જમીનના રૂપિયા હજુ સુધી આપવામાં આવ્યા નથી.

ટેબલ પરથી પૈસા લઈ જવાનું કહ્યું હતું : પીડિત

પીડિત પરિવારે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે 2 એકર જમીનના પૈસા PSI ગળચરના ટેબલ પરથી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિતોના જણાવ્યા મુજબ હજુ સુધી તેમને આ જમીનના એક પણ રૂપિયા મળ્યા નથી.

18 વખત ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?

પીડિત પરિવારના દાવા મુજબ તેમણે રાજકોટ પોલીસમાં અત્યાર સુધી 18 વખત ફરિયાદ કરી છે. છતાં પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. પીડિતોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

પતિના મૃત્યુ મામલે પણ ગંભીર શંકા

પીડિત મહિલાએ પોતાના પતિના મૃત્યુ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાબતે શંકા હોવાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે પીડિત પરિવારે રાજકોટ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

સામાજિક આગેવાનોની પીડિતોને અપીલ

સામાજિક અગ્રણી દિનેશ બાંભણિયા અને પરસોતમ પીપળીયાએ પણ કથિત રીતે ભોગ બનનાર લોકોને ખુલ્લીને સામે આવવાની અપીલ કરી છે. ભ્રષ્ટાચાર અને જમીન દલાલીના આક્ષેપોમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.  

  આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *