ચારૂસેટમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો:પરંપરાગત રમતો સાથે સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

ચારૂસેટ યુનિવર્સિટીના દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે “ખેલેગા ભારત, જીતેગા ભારત” થીમ હેઠળ પરંપરાગત અને ભારતીય દેશી રમતોનું આયોજન કરાયું હતું. નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. આ ઉજવણીના ભાગરૂપે, 25 થી 27 ઓગસ્ટ દરમિયાન ચારુસેટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ યોજાયો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ અને યુનિવર્સિટીના સહાયક કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, શારીરિક સક્રિયતા, ટીમવર્ક અને ‘સ્પોર્ટ્સ ફોર ઓલ’ની ભાવના વિકસાવવાનો હતો. ભારત સરકારના નેશનલ સ્પોર્ટ્સ ડે અભિયાન હેઠળ સંસ્થાઓને એક કલાક રમતગમત માટે ફાળવવા અને ખો-ખો, કબડ્ડી, લંગડી, ગીલ્લી ડંડા, સાપસીડી જેવી ભારતીય પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા આહ્વાન કરાયું છે. આના ભાગરૂપે ચારુસેટમાં વિવિધ પારંપરિક રમતોનું આયોજન થયું હતું. આ રમતોત્સવમાં યુનિવર્સિટી પરિવારનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓ, 120થી વધુ ફેકલ્ટી અને સ્ટાફ સભ્યો, તેમજ 80થી વધુ હાઉસકીપિંગ સ્ટાફ સહિત કુલ 900થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. પરંપરાગત રમતોની આ પ્રવૃત્તિઓ દ્વારા સહભાગીઓને માત્ર રમતગમતનો આનંદ જ નહીં, પરંતુ એકબીજા સાથે જોડાવા, ટીમ તરીકે કાર્ય કરવા અને રોજિંદી વ્યસ્તતામાંથી રમત તથા મનોરંજન માટે સમય ફાળવવાની તક મળી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન ચારૂસેટ કેમ્પસમાં ઉત્સાહ, આનંદ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ સફળ આયોજન માટે ચારૂસેટના પ્રોવોસ્ટ અને HRDC ડિરેક્ટર ડો. અતુલ પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, ULSC ચેરપર્સન ડો. પ્રમોદ પટેલ, ULSC કન્વીનર કૃતેન પટેલ અને HRDC કો-ઓર્ડીનેટર અમીષા પટેલનો માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સફળતા પાછળ ચારૂસેટ સ્પોર્ટ્સ સેક્શન, HRDC ટીમ અને એક્ઝિક્યુટિવ સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર્સની સંયુક્ત મહેનત અને ઉત્તમ ટીમવર્ક રહ્યું હતું. સમગ્ર આયોજનનું સુચારુ સંચાલન, સમયબદ્ધ કામગીરી અને ઉત્સાહપૂર્ણ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમ સફળ રહ્યો. આ ઉજવણી દ્વારા ચારૂસેટે ‘દરેક માટે રમત, સ્વસ્થ જીવન અને આનંદમય કેમ્પસ’ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે. ‘ખેલેગા ભારત, જીતેગા ભારત’ના સંકલ્પ સાથે ચારૂસેટ પરિવાર રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની દિશામાં સતત આગળ વધવા પ્રતિબદ્ધ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *