Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો

📅 Published: August 31, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ‘ગીતાંજલિ સ્વીટ એન્ડ ડેરી’ માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આઉટલેટમાંથી મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ, વાસી અને માનવ ઉપયોગ માટે અત્યંત અયોગ્ય વાનગીઓ મળી આવી હતી.

માંગરોળના કોસંબામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું

અધિકારીઓએ સ્થળ પરથી મિક્સ ફ્રુટ મીઠાઈ, એક્સપાયર થયેલા કલર અને ફ્લેવર, એસેન્સ, માવા મીઠાઈ તથા સોન પાપડી સહિત 26 કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય માટે હાનિકારક આશરે રૂ. 24,000 થી વધુ કિંમતની સામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સિલ્વર કોટેડ કાજુકતરી અને મેંગો બરફીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દુકાન સંપૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કરાયો છે.

લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યા

બીજી તરફ, સુરતના ગોદાદરા ખાતે આવેલા ‘ડી માર્ટ’માંથી ખરીદેલા બદામના પેકેટમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મનપાની ટીમે સમગ્ર મોલમાં ચેકિંગ કર્યું હતું, પરંતુ માત્ર નોટિસ આપીને રૂ. 5,000નો મામુલી દંડ ફટકારી સંતોષ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સફાઈના અભાવ અને એક્સપાયરી માલ વેચવા બદલ આ ડી-માર્ટને રૂ. 75,000 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત, 29 ઓગસ્ટની મોડી રાત્રે સુરતની ફાઇવ સ્ટાર મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies) માંથી લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા.

સુરત મનપાની બેધારી નીતિ સામે જનરોષ

આ તમામ બનાવો બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે મનપા આરોગ્ય વિભાગ બેધારી નીતિ અપનાવી રહ્યું છે. નાના વેપારીઓની અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરી તેમની દુકાનો સીલ કરી દેવાય છે, પરંતુ ડી-માર્ટ જેવા મોટા મોલ કે મેરિયટ જેવી ફાઇવ સ્ટાર હોટેલો સામે માત્ર મામુલી દંડ કરીને સંતોષ માનવામાં આવે છે. જો નાના વેપારીઓ સામે સીલિંગ અને માલ નષ્ટ કરવાની આકરી કાર્યવાહી થતી હોય તો મોટા મોલ કે હોટેલ માલિકો સામે તેવા આકરા પગલાં કેમ ભરવામાં આવતા નથી?

આ પણ વાંચો: Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *