અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી સોસાયટીઓ અને રહેણાંક ફ્લેટ્સમાં વૃક્ષોના ટ્રીમિંગ તેમજ તેમાંથી નીકળતા ગ્રીન વેસ્ટના વ્યવસ્થિત નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી સત્તાવાર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ નવી નીતિ અંતર્ગત હવે નાગરિકોએ સોસાયટી પરિસરમાં વૃક્ષ ટ્રીમિંગ અને ગાર્ડન વેસ્ટના નિકાલ માટે નિશ્ચિત વહીવટી ચાર્જ ચૂકવવો પડશે. AMC બગીચા ખાતા દ્વારા ટ્રીમિંગ કર્યા બાદ ગ્રીન વેસ્ટ ઉપાડવા માટે પ્રતિ વૃક્ષ રૂ. 100 તેમજ સોસાયટીએ સ્વખર્ચે ટ્રીમિંગ કરાવ્યું હોય અથવા ખાનગી ગાર્ડન મેઇન્ટેનન્સમાંથી નીકળતા વેસ્ટના નિકાલ માટે ટ્રેક્ટર દીઠ રૂ. 150 નો ચાર્જ વસૂલવામાં આવશે. ગેરકાયદે વૃક્ષ છેદન પર 27,000 સુધીનો આકરો દંડ
કોર્પોરેશનની પૂર્વ મંજૂરી વગર જો કોઈ પણ ખાનગી જગ્યા કે સોસાયટીમાં વૃક્ષ કાપવામાં આવશે તો AMC ના કડક નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અનુસાર કાપેલા 1 વૃક્ષની સામે 10 ગણા નવા વૃક્ષો વાવી તેની જાળવણી કરવી પડશે, અથવા તો પ્રતિ વૃક્ષ 2500 લેખે 10 વૃક્ષના 25,000, સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ હેઠળ 1000નો દંડ અને 1000 વહીવટી ચાર્જ મળીને કુલ 27,000નો આકરો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રીન વેસ્ટ જાહેરમાં મુખ્ય રસ્તાઓ પર ફેંકવા બદલ જવાબદાર વ્યક્તિ કે સોસાયટીના હોદ્દેદાર પાસેથી ટ્રેક્ટર લોડ દીઠ રૂ. 2000 ની પેનલ્ટી વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. મોબાઇલ એપ અને કંટ્રોલ રૂમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે
રિક્રિએશનલ કમિટીના ચેરમેન જીતુભાઈ ખરચરીયાએ નવી નીતિ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટ્રીમિંગ અથવા ગ્રીન વેસ્ટના નિકાલ માટે નાગરિકો AMCની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઓનલાઇન અરજી કરી શકશે અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નંબર પર કોલ કરીને રિક્વેસ્ટ નોંધાવી શકશે. અરજી મળ્યા બાદ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે. નિયમ મુજબ 9 ઇંચથી ઓછા ઘેરાવાવાળી ડાળીઓનું જ ટ્રીમિંગ કરવામાં આવશે, જ્યારે તેનાથી વધુ ઘેરાવાવાળી ડાળીઓ કે હેવી ટ્રીમિંગ માટે સક્ષમ સત્તાધિકારીની આગોતરી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. શહેરમાં સ્વચ્છતા જળવાય અને નાગરિકોને આર્થિક રાહત મળે તે માટે પોલિસી
ખાનગી સોસાયટીઓમાં વૃક્ષો મોટા થતાં સમયાંતરે ટ્રીમિંગ જરૂરી બનતું હોય છે, પરંતુ ચોક્કસ વ્યવસ્થાના અભાવે લોકો ગ્રીન વેસ્ટ સોસાયટી બહારના મુખ્ય માર્ગો પર નાખી દેતા હતા. જેના કારણે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સામે પ્રશ્નો ઊભા થતા હતા અને AMC ના બગીચા વિભાગની રોડ સાઇડની કામગીરીમાં પણ વિલંબ થતો હતો. બીજી તરફ ખાનગી વ્યક્તિઓ દ્વારા વૃક્ષ કાપવા માટે નાગરિકો પાસેથી મનફાવે તેવા ઊંચા ભાવ વસૂલવામાં આવતા હતા. આ તમામ સમસ્યાઓના કાયમી નિવારણ માટે અને લોકોને પારદર્શક તથા વ્યાજબી દરે ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી મનપા તંત્ર દ્વારા આ નવીન પોલિસી અમલમાં મૂકવામાં આવી છે.
ઝાડ ટ્રીમિંગ-ગ્રીન વેસ્ટ નિકાલ માટે ચાર્જ ચૂકવવો પડશે:શહેરમાં ખાનગી સોસાયટી-ફ્લેટમાં AMC ઝાડ ટ્રિમિંગ અને ગ્રીન વેસ્ટ લઈ જશે, જાણો કેટલો ચાર્જ ચૂકવાશે?
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
