13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, પીડિતાને 4 લાખનું વળતર

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

દહેગામ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 13 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માએ કોર્ટે આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભયજી ભીમસિંહ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત પીડિતાને ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું
દહેગામ તાલુકાના કૃષ્ણનગર કાંઠી ગામે તા.26 જૂન 2021 ના રોજ બનાવ સમયે માત્ર 13 વર્ષ અને 10 માસની સગીર વયની બાળકીને આરોપી ધનપાલસિંહે લાલચ આપી અને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ ગુનામાં અન્ય એક આરોપીની અર્ટીગા ગાડીનો ઉપયોગ કરી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ રહેવાની વ્યવસ્થા કરી આપીને ગુનામાં મદદગારી કરવામાં આવી હતી. સગીરાનું અપહરણ કરી ગયા બાદ આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ગાંધીનગર કોર્ટમાં ચાલેલા પોક્સો કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ એસ. પંડ્યા એ દલીલ કરી હતી કે,નાની વયની બાળકી સાથે આવા અમાનવીય કૃત્યો સમાજમાં વધી રહ્યા છે. લોકો નવા ગુના કરતા અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત સજા કરવી જરૂરી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી
આ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે કોર્ટે પીડિત બાળકીના પુનર્વસન માટે સંવેદનશીલતા દાખવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *