Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવાના અધિકારોને લઈને વિતેલા 25 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવ્યા બાદ મંત્રીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં ખેડૂતોએ પોતાના ધરણાં સત્તાવાર રીતે સમેટી લીધા છે. નર્મદા જિલ્લાના સ્થાનિક ખેડૂતો વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા આવ્યા છે. વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જમીન ખેડવા બાબતે વિવાદ ઊભો થયો હતો. 

આંદોલનકારી મહિલાની તબિયત લથડી

વન વિભાગ દ્વારા ખેતી કરવા સામે કરાતા વિરોધ અને અટકાયત સામે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોતાની જમીનના હક અને ખેડાણના અધિકાર માટે સતત 25 દિવસથી આંદોલન ચલાવી ધરણાં પર બેઠા હતા. સતત 25 દિવસ સુધી ચાલેલા આ કડક ધરણાં દરમિયાન આજે આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા મહિલા અગ્રણી લીલાબેનની તબિયત અચાનક લથડી હતી. લાંબા સમયના ઉપવાસ અને માનસિક તણાવના કારણે તેઓ અસ્વસ્થ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલાબેનની તબિયત બગડતાં જ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉચ્ચ કક્ષાના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. 

સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યા

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા સ્થાનિક સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. મંત્રીઓ અને સાંસદે ખેડૂતો સાથે વિગતવાર વાટાઘાટો કરી હતી અને જંગલની જમીન અંગે ખેડૂતોની જે વ્યાજબી માંગણીઓ છે તે સ્વીકારવાની અને વન વિભાગ સાથે સમન્વય સાધીને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલા મજબૂત આશ્વાસન અને મધ્યસ્થી બાદ ૨૫ દિવસથી ચાલી રહેલા આંદોલનને ખેડૂતોએ પારણાં કરીને પૂર્ણ જાહેર કર્યું હતું. આ સમાધાનથી સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી અને સ્થાનિક ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *