શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. દેશભરના શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને વિવિધ ધાર્મિક પૂજા-અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો. સોમવારે સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજે 7 વાગ્યા સુધીમાં 71,000 ભક્તોએ દર્શન કર્યા હતા. દિવસભર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં દર્શન માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રીજા શ્રાવણી સોમવારે ભક્તોએ મોટી સંખ્યામાં ધાર્મિક સેવાઓમાં ભાગ લીધો હતો. માહિતી અનુસાર, 75 ધ્વજાપૂજા અને 65 સોમેશ્વર પૂજા ભક્તો દ્વારા કરવામાં આવી હતી. શિવ ઉપાસનામાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 572 રૂદ્રાભિષેક પાઠનો ભક્તોએ લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ વિધિઓ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ભક્તોએ વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ભગવાન શિવને સમર્પિત 14 પાઠાત્મક લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજા સોમવારની ધાર્મિક સેવાઓમાં મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન થયું હતું. દિવસ દરમિયાન યોજાયેલા આ યજ્ઞમાં કુલ 44,000 આહુતિ આપવામાં આવી હતી. આમ, શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં 75 ધ્વજાપૂજા, 65 સોમેશ્વર પૂજા, 572 રૂદ્રાભિષેક પાઠ, 14 પાઠાત્મક લઘુરુદ્ર અને મહામૃત્યુંજય યજ્ઞમાં 44,000 આહુતિ સહિતની વિવિધ ધાર્મિક સેવાઓનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. આ દિવસ સોમનાથમાં ભક્તિ અને આસ્થાના પર્વ તરીકે ઉજવાયો હતો.
સોમનાથમાં ત્રીજા શ્રાવણી સોમવારે હજારો ભક્તો ઉમટ્યા:75 ધ્વજાપૂજા, 65 સોમેશ્વર પૂજા, 572 રૂદ્રાભિષેક અને 44 હજાર આહુતિ, સાંજે 7 વાગ્યા સુધીમાં 71,000 ભક્તોએ દર્શન કર્યા
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
