સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી કોરીકટ થતાં ખેડૂતો ચિંતિત

📅 Published: August 31, 2026 | 📂 Category: Baroda

સંખેડા

સંખેડા – બહાદરપુર વચ્ચેથી પસાર થતી લોકમાતા ઓરસંગ નદી ખેંચાયેલા વરસાદને લઈ ચોમાસામાં પણ કોરીકટ રહેતા ખેડૂતો, પશુપાલકો સહિત આમ નાગરિક ભારે ચિંતિત બન્યા છે.

ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના ડુંગરમાંથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળે છે. આ વર્ષે વરસાદની ખેંચને લઈ અત્યાર સુધી માત્ર એક જ વખત પાણીના પૂર આવ્યા બાદ હજુ સુધી પાણીના પુર આવ્યા ન હોવાથી જેને લઇ મૂંગા જાનવરો અત્યારથી જ પીવાના પાણી માટે આમતેમ ફંફં મારતા નજરે પડે છે. એટલું જ નહીં, ઓગસ્ટ માસ પૂર્ણ થયો છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતા ધરતીપુત્રો, પશુપાલકો સહિત આમ પ્રજામાં વરસાદે ભારે ચિંતા ફેલાવી દીધી છે. હાલના તબક્કે ઝાપટારૂપે વરસતા વરસાદથી નદીના પટ અને કિનારા પરના ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણી પણ હવે તો દુર્ગંધ મારવા લાગ્યા છે. જ્યારે એકત્રિત થયેલ કચરો ભીનો થવાને લઈ દુર્ગંધ ફેલાવી રહેલ હોય લીલથી છવાયેલા ખાડા-ખાબોચિયા, ઉગી નીકળેલ વનસ્પતિ સાથે નદી કોરીકટ ભાંસે છે. ચોમાસામાં નદીમાં પુર આવવાથી સ્ટોરેજ થયેલ પાણી શિયાળા, ઉનાળા દરમ્યાન સિંચાઈના કામમાં આવતું હોય છે. પરંતુ આ વખતે વરસાદની ખેંચને લઈ ખેડૂતોને આર્થિક નુકસાનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચોમાસા બાદ ખેડૂતો શિયાળા પાકની વાવણીમાં મશગુલ બનતાં હોય છે. પરંતુ આ વખતે બરાબર ચોમાસું ન જામતા નદી, તળાવો ખાલીખમ રહેતા રવિ પાકો ન કરી શકવાની ચિંતા પણ ખેડૂતોને અત્યારથી જ સતાવા લાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *