સાધલીમાં તળાવની પાળ અને દબાણના પંચક્યાસનો વિરોધ

📅 Published: August 31, 2026 | 📂 Category: Baroda

શિનોર તાલુકાનાં સાધલી મુકામે તળાવની પાળ તોડી પાડવાનો તથા દબાણનો વિવાદ હોવાથી આજે પંચક્યાસ કરવાનો હતો. પરંતુ સક્ષમ અધિકારી ઉપસ્થિત ન હોવાથી અરજદારે વિરોધ નોંધાવ્યો હતો.

સાધલી ગામે પંચાયત દ્વારા રૂા. 25 લાખના ખર્ચે બનાવેલ જૂની તળાવની પાળ તોડી નાખીને તળાવમાં આશરે 300 બાય 50 મીટર વિશાળ દબાણ કરાયાની અરજી જિલ્લા કલેકટરને કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી વડોદરા, તાલુકા વિકાસ અધિકારી શિનોર અને મામલતદાર શિનોરને પણ પુરાવા સાથે અરજી કરાઇ હતી. તળાવની પાળ તોડી પાડવી કે, તેમાં દબાણ કરવા માટે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની હોય છે. જે પંચાયતે લીધી નહોતી. જેથી આજે આ તળાવનો પંચક્યાસ કરવાનો હોવાથી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર ભાવેશ દરજીને લેખિત જાણ કરી હતી. તા. 31 ઓગસ્ટે બપોરે 1 વાગે તળાવની પાળે ભેગા થયા હતા. પરંતુ પંચક્યાસ માટે સક્ષમ અધિકારી આજે હાજર નહોતા અને માત્ર બે તલાટી, ઈન્ચાર્જ સરપંચ, સભ્યો અને મીડિયા હાજર હતું. તળાવનો સંપૂર્ણ પંચક્યાસ કરવાના બદલે માત્ર કાગળ પર પંચક્યાસ થયો હોવાનું માલુમ પડતાં અરજદાર ભાવેશ દરજી દ્વારા સક્ષમ અધિકારીની રૂબરૂમાં પંચક્યાસ કરવા જણાવતાં એક તબક્કે ઇન્ચાર્જ સરપંચ આક્રોશમાં આવ્યા હતા. તલાટી જીગ્નેશ કિશોરી તથા સ્ટાફ્ના માણસો માપણી કરવાની મેજર ટેપ લાવ્યા વગર આવ્યા હતા. અને માપણી કર્યા વગર બેઠો પંચક્યાસ કરવાની નીતિરીતિ જાહેર થતી હતી. જેનો અરજદારે વિરોધ કર્યો હતો. અને તટસ્થ સક્ષમ અધિકારીની હાજરીમાં પંચક્યાસ કરવા જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *