ગીર સોમનાથમાં ગ્રામ્ય વિસ્તારોમાં 'સેવાસેતુ'નો બીજો તબક્કો શરૂ:21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો બીજો તબક્કો ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને ઘરઆંગણે જ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી સેવાઓનો લાભ મળશે. આયોજનના ભાગરૂપે, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદનના વી.સી. હોલ ખાતે સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) ની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વ્યક્તિગત લાભાર્થીઓને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા વિભાગવાર આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે અધિકારીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને યોજનાઓના સંતૃપ્તિકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પી.એમ. કિસાન, ગંગા સ્વરૂપા વિધવા સહાય, જન ધન યોજના, સ્વામિત્વ, અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી વિવિધ નાગરિકલક્ષી સેવાઓનો મોટી સંખ્યામાં લોકો લાભ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. બેઠકમાં વેરાવળ (ગ્રામ્ય), તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના, અને ગીરગઢડા સહિતના તાલુકાઓ માટે નોડલ ઓફિસર્સની નિમણૂક, સેવાસેતુના સ્થળ, તારીખ, અને ગામોની વિગતો પર ચર્ચા થઈ હતી. દ્વિતીય તબક્કા માટે ૮ થી ૧૦ ગામોના ક્લસ્ટર મુજબ આયોજન, લાભાર્થીઓની યાદી, અને બાકી કામગીરીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. સેવાસેતુ દરમિયાન નાગરિકોને રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સુધારા-વધારા કરવા, જન્મ-મરણના પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નમો યોજના, આધારકાર્ડ સુધારા, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર નોંધણી, કુંવરબાઈનું મામેરું યોજના, અને ICDS અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડ જેવી અનેક સેવાઓનો લાભ મળશે. આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વ જે.વી. કાકડિયા અને કે.આર. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા, તેમજ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અને આરોગ્ય, ખેતીવાડી જેવા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *